દાહોદ જીલ્લામાં બે માર્ગ અકસ્માત બનાવમાં બે વ્યકિતના મોત


દાહોદ,
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવમાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના હિમાલા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05 નવેમ્બરના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે હિમાલા ગામેથી રસ્તેથી ચાલતા પસાર થતાં મહેન્દ્રસિંહ જશુભાઈ પેલ્યા (રહે. હિમાલા, તળાવ ફળિયું, તા. જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં મહેન્દ્રસિંહ મોટરસાઈકની અડફેટે જમીન પર ફંગોળાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે હિમાલા ગામે તળાવ ફળિયામાં રહેતાં બાબુભાઈ પુજાભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના બીયામણી ગામે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડર અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ જીતુભાઈ ફજાભાઈ નિનામા અને જીગરભાઈ મનુભાઈ નિનામા (બંન્ને રહે. કાળીમહુડી, જગા ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે જીતુભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત જીગરભાઈને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે કાળીમહુડી ગામે જગા ફળિયામાં રહેતાં વાલસીંગભાઈ ધીરાભાઈ નિનામાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.