દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે થોડા દિવસ પહેલા નાણાંની લેવડ દેવડ મામલે 25 જેટલા ઈસમોનો ટોળાએ એક પરિવાર જીવલેણ, હિંસક હુમલો કરી પરિવારના બે વ્યક્તિને માર મારી મોતને ઘાટ ઉતારી દીધાંના બનાવ બાદ સામા પક્ષેથી હુમલામાં મરણ જનાર સહિત 14 જેટલા વ્યક્તિઓ વિરૂધ્ધ નિકાલના નાણાં મામલે બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાની સામા પક્ષેથી કેફીયત ભરી ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રણેક દિવસ પહેલાં ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગત તા.05મી નવેમ્બરના રોજ ગામમાં રહેતાં બે ભાઈઓ વિજયભાઈ તથા અરવિંદભાઈ તથા તેમની સાથે બીજા અન્ય માણસો દ્વારા નાણાંની લેવડ દેવડ મામલે પોતાના ગામમાં રહેતાં એક પરિવાર પર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરી પરિવારના બે સભ્યો કાળુભાઈ મનુભાઈ ભાભોર અને ગોરધનભાઈને મારક હથિયારો વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધાં હતા. જ્યારે પરિવારના અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ સામા પક્ષેથી હુમલામાં માર્યા ગયેલા ગોરધનભાઈ અને કાળુભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવવા પામી છે જેમાં સામાપક્ષેથી સોમાભાઈ પ્રેમલાભાઈ ભાભોર (રહે. મુણધા, મુણધી ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગોરધનભાઈ મનુભાઈ ભાભોર, કાળુભાઈ મનુભાઈ ભાભોર, મેહુલભાઈ કાળુભાઈ ભાભોર, મહેશભાઈ ધીરાભાઈ ભાભોર અને તેમની સાથે અન્ય દશેક જેટલા ઈસમોએ ભેગા મળી છોકરી ભાગી ગઈ હતી જે મામલાના નિકાલના પૈસા ન આપી સોમાભાઈના ઘરે આવી બેફામ ગાળો બોલી, સોમાભાઈ તથા તેમના પરિવારજનોને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ લીમડી પોલીસ મથકે નોંધાંવતાં પોલીસે બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.