ઝાલોદ નફીશ મટનશોપની દુકાને થી પોલીસને એક કતલ કરેલું ગૌવંશ મળી આવ્યું : ત્રણ ઈસમોની અટકાયત કરાઈ

  • એક જીવિત ગૌ વંશ ક્રૂરતા વડે બાંધેલું જીવીત મળી આવ્યું.

ઝાલોદ, ઝાલોદ પોલીસને તારીખ 01-04-2024ના રોજ નાઇટ પેટ્રોલીંગ કરી રહેલ હતી. ત્યારે તેમને બાતમી મળેલ હતી કે, પડી મહુડી રોડ પર મૌલાના આઝાદ સ્કૂલ પાસે દારૃલુમની સામે નફીશ મટન શોપ નામની દુકાન/મકાનમાં અંદરના ભાગે ઇરફાન મહંમદ સાઠીયા સફેદ કલરની વગર નંબરની પીકઅપ ગાડીમા ગૌ વંશ લાવી તેનું કતલ કરી વહેંચવાની તૈયારીમાં છે. જે આધારે ઝાલોદ પોલીસ સ્ટેશનના સે.પો.સ.ઇ સી.કે.સીસોદીયા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ આદરી હતી.

બાતમીવાળા મટન શોપની અંદર જઈ તપાસ કરતા ત્રણ ઈસમો (1) ઇરફાન મહંમદ સાઠીયા (2) રીઝવાન રજાક ટીમીવાળા (3) મુસ્તાક ઇસુફ શેખ હાથમાં પશુઓ કાપવાના સાધનો લઈ ઉભા હતા. પોલીસ દ્વારા ત્રણે ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે લાવવામાં આવેલ હતા. પોલીસ દ્વારા મટન શોપની દુકાન/મકાનની તલાશી લેતાં એક ગૌ વંશનુ માથું કાપેલું હતું અને ત્યાં સ્થળ પર મૃત ગૌ વંશનુ લોહી વેરાયેલું હતું. તેમજ ગૌ વંશને ક્રૂરતા પૂર્વક બાંધેલું જોવા મળેલ હતું. ત્યાં જ પાસે એક બીજું જીવિત ગૌ વંશ ઘાસ ચારાની સગવડ વિના ક્રૂરતા પૂર્વક બાંધેલું જોવા મળેલ હતું. પોલીસ દ્વારા સ્થળ પરથી ગૌ વંશ કાપવાના સાધનો કબજે કર્યા હતા તેમજ મૃત થયેલ ગૌ વંશનુ સેમ્પલ લઈ તેને એફ.એસ.એલ. મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ મૃત ગૌ વંશને જમીનમાં ખાડો ખોદી દાટી દેવામાં આવ્યું હતું અને જીવિત ગૌ વંશને પાંજરાપોળ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.