- ઘરમાં ન કોઈ તાળા તૂટયા ન કોઈ વસ્તુ વેરવિખેર થઇ છતાય ચોરી થતા જાણભેદુ હોવાની શકયતા.
- ઝાલોદ નગરના મીઠાચોક વિસ્તારના વાવડી ફળિયામાં વણિક સમાજની જમણવાડીની સામે બિપીન.એન.શાહ નું મકાન આવેલ છે. તેમના મકાન માંથી આશરે 11 થી 12 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના બનેલ છે.
ઝાલોદ, બીપીન શાહ તારીખ 01-04-2024 સોમવારના રોજ પોતાના પારિવારિક કામ અર્થે પોતાના પરિવાર સાથે બહારગામ ગયેલ હતા અને ઘરમાં ફક્ત તેમના પુત્રની ધર્મપત્ની રોકાયેલ હતી. પુત્રની ધર્મપત્ની ઘરમાં એકલા હોવાથી તેઓ ઘરના કામકાજ પતાવી નજીકમાં તેમના કાકા સસરા આનંદ શાહના ઘરે પોતાના મકાનને તાળુ મારીબપોરે અંદાજીત બે વાગે ગયેલ હતા. તેમજ તે દરમ્યાન ઘરના નાનામોટા કામકાજ માટે ઘરે એક બે વખત આવવાનું પણ થયેલ હતું. તે શિવાય તેઓ પોતાના કાકા સસરાને ત્યાં હતા. બિપીનભાઈ રાત્રે ઘરે આવી જતાં પોતાની પુત્રવધૂને બોલાવી લીધેલ હતી. તેમજ બહારથી થાકેલા આવેલ હોવાથી ઘરે આવીને સુઇ ગયેલ હતા.
સવારે ઉઠ્યા પછી બિપીનભાઈની નજર તિજોરી પાસે સોનાનો મંગળસૂત્ર બહાર પડેલો નજર પડતાં તેઓએ તિજોરી ખોલી હતી. તિજોરી ખોલતા દરેક વસ્તુ જેમ હતી તેમ જ ગોઠવેલ હતી તેમજ ઘરમાં કોઈ પણ વસ્તુ વેરવિખેર પડી હોય તેવું લાગ્યું ન હતું તેમજ ઘરમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર પણ તાળું મારેલ હતું અને તેઓ રાત્રી દરમ્યાન આવ્યા ત્યારે તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ઘરમાં કોઈ પણ વસ્તુ વેરવિખેર કે અસ્તવ્યસ્ત ન હોવાથી ચોરી ક્યારે થઈ તેવી ખબર પડેલ ન હતી. ઘરમાં તિજોરીનો બહાર પડેલ સોનાની રકમ પરથી ચોરીની શંકા જતા તેઓએ તિજોરી ખોલતા અંદરથી તમામ સોનાની જ્વેલરી જેની અંદાજીત કિંમત 6 થી 7 લાખ છે, તેમજ બે દિવસ પહેલા એક મકાન નું બાનાખત કર્યું હતું તે પેટે પાંચલાખ રૂપિયા તેમને મળ્યા હતા તે પણ મળેલ ન હતા. આમ સોનાની રકમ અને રોકડા રૂપિયા મળી અંદાજીત અગિયાર થી બાર લાખની ચોરી થયેલ હતી.
ચોરી થયા પછી તિજોરી કે ઘરમાં કોઈપણ અન્ય વસ્તુના તાળા તૂટયા હોય તેવું જોવા મળ્યું ન હતું. આમ, ચોરે બિન્દાસ ઘરમાં ભરાઈ શાંતિ પૂર્વક તિજોરી ખોલી ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ છે. ચોરી થયાની જાણ બિપીનભાઈ દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી પોલીસ દ્વારા સ્થળ પર તપાસ તેમજ ઘરમાં રહેતા દરેક સભ્યોની પૂછપરછ કરવામાં આવેલ હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાણભેદુ દ્વારા જ ચોરી કરવામાં આવેલ છે, તેવી ચર્ચા એ જોર પકડયું છે. હાલ જાણવા મળેલ મુજબ પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરેલ છે. તેથી પોલીસ સ્ટેશનમાં કોઈ એફ.આઇ.આર નોંધાયેલ નથી. નગરમાં આવી વિચિત્ર ચોરીની ઘટના સર્જાતા સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે. નગરજનોમાં પોલીસ તાત્કાલિક એક્શનમા આવે અને આ ચોરી કરનાર વ્યક્તિને પકડી પાડે તેવી નગરજનો આશા સેવી રહેલ છે.