હાલોલ, હાલોલ શહેરના બસ સ્ટેશનના ભરચક વિસ્તાર નજીક વિઠ્ઠલ નગર સોસાયટીના માત્ર એક કલાક માટે બંધ રહેલા મકાનમાંથી સમી સાંજે રૂ.1,85,000/-માલમત્તાની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ટાઉન પોલીસે ચોરીના બનાવના 20 કલાક બાદ ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
હાલોલના બસ સ્ટેશન પાસે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીના મકાન નં.-17માં રહેતા અને મુખ્ય બજારમાં મસ્જિદ પાસે ફુટવેરની દુકાન ધરાવતા રાજેન્દ્ર પ્રસાદ ચંદુલાલ શાહ સાંજના સમયે દુકાનમાં હતા. ત્યારે તેમના પત્નિ આશાબેન શાહ નિત્યક્રમ મુજબ દુકાને ચા લઈને આવ્યા હતા. તેના એક કલાક બાદ તેમના પાડોશીએ તેમને ફોન કરી તેમના ધરનો દરવાજો ખુલ્લો અને લાઈટ પંખા ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ. જેથી બંને પતિ-પત્નિ ધરે દોડી ગયા હતા. જયાં જઈને જોતા મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં અને તમામ સામાન વેરવિખેર તેમજ તિજોરી પણ ખુલ્લી હતી. જેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ હતી. સમી સાંજે માત્ર એક કલાકમાં તેમના બંધ ધરમાંથી તસ્કરો રોકડા રૂ.10 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1,85,000/-ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવના 20 કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.