પાકિસ્તાનમાં રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને કારણે નકામા ખર્ચને ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી કાર્યોમાં રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તેનો ઉપયોગ માત્ર રાજદ્વારીઓ માટેના સ્વાગત કાર્યક્રમમાં જ થશે.

વડાપ્રધાન શાહબાઝ શરીફે સરકારી કાર્યોમાં પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત દરમિયાન રેડ કાર્પેટના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી હતી. કેબિનેટ અફેર્સ ડિવિઝનના જણાવ્યા અનુસાર વડાપ્રધાનની સૂચના બાદ રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વડાપ્રધાને નિર્દેશ આપ્યો હતો કે ભવિષ્યમાં સરકારી કાર્યક્રમોમાં પ્રધાનો અને અધિકારીઓ માટે રેડ કાર્પેટનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેનો ઉપયોગ ફક્ત વિદેશી રાજદ્વારીઓ માટે પ્રોટોકોલ તરીકે જ થઈ શકે છે.

ગયા અઠવાડિયે, વડાપ્રધાન શાહબાઝ શરીફ અને કેબિનેટ સભ્યોએ નકામા ખર્ચ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે પગાર અને ભથ્થાં ન લેવાનો નિર્ણય લીધો હતો.રેડ કાર્પેટનો ઉપયોગ નાબૂદ કરીને સરકાર નાણાં બચાવવા અને જાહેર ખર્ચ માટે વધુ જવાબદાર અને સમજદાર અભિગમને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. ગયા મહિને વડાપ્રધાને કહ્યું હતું કે કરક્સરના પગલાં સરકારની ટોચની પ્રાથમિક્તા છે.

આ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દેશ સામે ચાલી રહેલા આથક પડકારોને કારણે પગાર અને ભથ્થા ન લેવાનો નિર્ણય કર્યો હતો. અહેવાલ મુજબ, હ્યુમન રાઈટ્સ વોચે જણાવ્યું છે કે પાકિસ્તાન ૨૦૨૩માં તેના ઈતિહાસમાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ગરીબી, મોંઘવારી અને બેરોજગારી વધી છે, જેના કારણે લાખો લોકોના આરોગ્ય, ખોરાક અને જીવનધોરણના પર્યાપ્ત અધિકારો જોખમમાં આવી ગયા હતા.