મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ની ૧૩મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલ ૨૦૨૪માં તેની પ્રથમ હારનો સ્વાદ ચખાડ્યો હતો. ગઈકાલે દિલ્હીએ ચેન્નઈને ૨૦ રને હરાવ્યું હતું. આ સાથે ચેન્નઈ પાસેથી નંબર-૧ની પોઝીશન છીનવાઈ ગઈ છે. ગઈકાલે રમાયેલી મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતું.
ચેન્નઈ તેની શરૂઆતની બંને મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર-૧ પર રહ્યું હતું, પરંતુ દિલ્હીના હાથે ૨૦ રને હાર બાદ તે નંબર-૧થી બીજા સ્થાને ખસી ગયું છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે પણ આ સિઝનની પ્રથમ જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. દિલ્હીની ટીમ નવમા સ્થાનેથી સીધી સાતમા સ્થાને પહોંચી ગઈ છે. ગઇકાલે ગુજરાત ટાઇટન્સે પણ સનરાઇઝર્સ હૈદરાબાદને ૭ વિકેટે હરાવ્યું હતું. જે બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. હાર બાદ હૈદરાબાદની ટીમ ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી ગઈ છે. જ્યારે ગુજરાતની ટીમ ૮મા સ્થાનેથી સીધી ચોથા સ્થાને પહોંચી ગઈ છે.