
મુંબઇ, હાલમાં આઇપીએલ ૨૦૨૪માં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે ગુજરાત ટાઇટન્સને ૧૬૩ રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં ગુજરાતના રાશિદ ખાને મોટો રેકોર્ડ બનાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની ચાર ઓવરમાં ૩૩ રન આપીને ૧ વિકેટ લીધી હતી. આ સાથે તે ગુજરાત ટાઇટન્સ માટે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. રાશિદે અત્યાર સુધી ગુજરાત માટે ૩૬ આઇપીએલ મેચમાં ૪૯ વિકેટ લીધી છે. મોહમ્મદ શમી બીજા નંબર પર છે. તેણે ૪૮ વિકેટ પોતાના નામે કરી છે. મોહિત શર્મા ત્રીજા નંબર પર છે. તેણે ૩૧ વિકેટ પોતાના નામે કરી છે.
ગુજરાત ટાઇટન્સ માટે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની યાદી:
રાશિદ ખાન- ૪૯ વિકેટ
મોહમ્મદ શમી- ૪૮ વિકેટ
મોહિત શર્મા- ૩૧ વિકેટ
આ પહેલા રાશિદ ખાન હૈદરાબાદની ટીમ તરફથી આઇપીએલમાં રમી રહ્યો હતો. પરંતુ આઇપીએલ ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સ ટીમે તેને ખરીદ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે ફ્રેન્ચાઇઝ ટી૨૦ લીગમાં સૌથી વધુ માંગવામાં આવતા ખેલાડીઓમાંનો એક છે. તેની પાસે અનુભવ છે અને તે ખૂબ જ આથક રીતે બોલિંગ કરવા માટે જાણીતો છે. અત્યાર સુધી તેણે આઇપીએલની ૧૧૧ મેચમાં ૧૪૧ વિકેટ ઝડપી છે.
પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ગુજરાત ટાઇટન્સને ૧૬૩ રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે ઓપનર મયંક અગ્રવાલ માત્ર ૧૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ટ્રેવિસ હેડે ૧૯ રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને ૨૪ રન બનાવ્યા હતા. અંતમાં અબ્દુલ સમદે ૨૯ રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ હૈદરાબાદની ટીમ સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહી હતી.