ભાવનગર, રાજ્ય મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર ઉપર ભાવનગરના પીથલપુર ગામ નજીક પથ્થરમારો કરાતા કારને મોટું નુક્સાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે દિવ્યેશ સોલંકીના ડ્રાઇવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે દિવ્યેશભાઈ સોલંકી, તેના ડ્રાઇવર રવિભાઈ રાણા તથા બુધેશબાઇ જાંબુચા ગાડી (જી.જે.૧૮.ઈબી.૨૫૨૮) લઇને ભાવનગરથી પીથલપુર (કુકડ) ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા. પીથલપુરથી આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પીથલપુરથી અડધો કિલોમીટર દૂર આવતા ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા જ અચાનક ગાડી ઉપર છૂટા પથ્થર ફેંકવામાં આવ્યા હતા. તપાસ કરતા ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યા હતા.ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ ગાડીની ડ્રાઇવર સાઇડના આગળ તથા પાછળના દરવાજા પર છૂટા ઘા થવાનો અવાજ આવ્યો હતો. જેથી ડ્રાઇવરે તરત જ ગાડી ઉભી રાખી હતી. આ વખતે બીજા પણ ત્રણ-ચાર ઘા થયા હતા જે ગાડીની બાજુમાંથી પસાર થઈ ગયા હતા. બાદમાં આજુબાજુમાં મોબાઇલની તથા હાડીની લાઇટથી તેમજ સાથેની બીજી ગાડીની લાઇટોથી તપાસ કરી હતી. તે દરમિયાન અમને ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ ગ્રે કલરની લાઇનિંગવાળો શર્ટ તેમજ ખભા ઉપર લાલ કલરનું કપડું રાખ્યું હતું. તેમજ બીજા વ્યક્તિએ કાળા તથા લીલા કલરની મોટી ચેક્સવાળો આખી બાયનો શર્ટ પહેર્યો હતો.
આ બનાવ અંગે દિવ્યેશભાઈ ના ડ્રાઇવર રવિભાઈએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (રહે. ઓદરકા ગામ) સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ૨૦ વર્ષ પહેલા પણ આજ ગામે ચૂંટણી પ્રચારમાં નીકળેલા પુરુષોત્તમભાઈ સોલંકી ની કાર ઉપર પથ્થરમારો થયો હતો.