મધ્યપ્રદેશ કોંગ્રેસે ’વન નોટ-વન વોટ’ અભિયાન શરૂ કર્યું, નેતાઓએ લોકો પાસેથી ૧ રૂપિયા માંગ્યા

ભોપાલ, જેમ જેમ લોક્સભાની ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે જનતાનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. આવી જ એક અનોખી પદ્ધતિ મયપ્રદેશમાં પણ જોવા મળી છે. કોંગ્રેસના મધ્યપ્રદેશ એકમે રવિવારે ’વન નોટ-વન વોટ’ ઝુંબેશ શરૂ કરી હતી જેમાં લોક્સભા ચૂંટણી લડવા માટે દાન માંગવામાં આવ્યું હતું. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે તેના બેંક ખાતામાંથી વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે તેની પાસે પૈસા નથી.

મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું છે કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાના પગલાનો હેતુ ચૂંટણી પહેલા તેમની પાર્ટીને આર્થિક રીતે નબળી પાડવાનો છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે રાજ્ય એકમમાં ફેરફાર કર્યા છે અને જીતુ પટવારીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પટવારીને રાહુલ ગાંધીના ખાસ નેતા માનવામાં આવે છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસે ભોપાલના રોશનપુરા ચોક પર વન નોટ-વન વોટ અભિયાન શરૂ કર્યું. અહીં, ભોપાલથી પાર્ટીના ઉમેદવાર અરુણ શ્રીવાસ્તવ અને જબલપુરના ઉમેદવાર દિનેશ યાદવે હાથમાં બોક્સ લઈને દરેક વ્યક્તિ પાસેથી એક રૂપિયો માંગ્યો અને તેમને એક મત આપવા વિનંતી કરી. મધ્ય પ્રદેશની અન્ય બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ પણ પ્રચારમાં ભાગ લીધો હતો.