
મુંબઇ, આઇપીએલ ૨૦૨૪માં બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના આઉટ થવાને લઈને મહારાષ્ટ્રમાં ભારે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી. રોહિત શર્માના ચાહકે એક વ્યક્તિને ઢોર માર્યો જેથી તેણે હોસ્પિટલ લઇ જવું પડ્યું જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બની હતી. અહીં ૬૩ વર્ષના ખેડૂત બંદોપંત તિબિલે અને ૫૦ વર્ષના બળવંત ઝાંજગે એક મિત્રના ઘરે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આઇપીએલ મેચ જોઈ રહ્યા હતા. મળેલા અહેવાલ મુજબ મેચ દરમિયાન એમઆઇના બેટર રોહિત શર્માની વિકેટ પડતાની સાથે જ ઉજવણીને લઈને તિબિલે અને ઝાંજગે વચ્ચે ઝઘડો થયો હતો. મળેલી માહિતી મુજબ રોહિત શર્માના ચાહક ઝાંજગે વિકેટ પડવા પછી તિબિલે તરફથી કરવામાં આવેલ ટીકાથી નારાજ થઇ ગયા હતા. જો કે તે દરમિયાન ઝાંજગે સ્થળ પરથી જતો રહ્યો હતો, પરંતુ બાદમાં તેના સંબંધી સાગરને લાવીને તિબિલેને માર માર્યો હતો. આ પછી તિબિલેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે માહિતી આપી છે કે તિબિલેનું શનિવારે મૃત્યુ થયું હતું. શરૂઆતમાં બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. હવે તેઓની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.