રૂપાલાના પૂતળા દહનનો મામલો, પોલીસે ક્ષત્રિય સમાજના ૩ આગેવાનોની અટકાયત

રાજકોટ, રાજકોટ લોક્સભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરશોતમ રૂપાલાનાં પૂતળાનું દહન કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા કમલ ૧૫૧ મુજબ ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાન મહેન્દ્રસિંહ પરમાર,નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજનાં આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.

કરણી સેનાના સોશ્યલ મીડિયા અધ્યક્ષ હિતુભા જાડેજાએ કહ્યું કે પરસોતમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પૂતળા દહનના કાર્યક્રમો યોજાશે. પોસ્ટરો લગાવવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે. પરસોતમ રૂપાલાની દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરસોતમ રૂપાલાની સુરક્ષા વધારવી હોઈ એટલી વધારી લે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમણ કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરષોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.. જે અંતર્ગત રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાઓેએ પરષોતમ રૂપાલાના પુતળાનું દહન કર્યુ હતું.

આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા કહી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શક્તા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે. અમે માફી દેવી જરૂરી છે પરંતું અમે માફી નહી સજા જ આપીશું. અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય.