આખા ગુજરાતનાને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા

ગાંધીનગર, ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતનાને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનું કાઢશો તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ લોકોની મુશ્કેલી વધારી છે. ગરમી વધતાં જળાશયોના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી બચ્યું છે. ૨૦૭ જળાશયોમાં સરેરાશ જળસ્તર ૫૪ ટકા બચ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક થયા છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર પાણીની તંગીનો મુદ્દો ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. આ હાલત માત્ર સૌરાષ્ટ્રની જ નથી, આખા ગુજરાતની છે. ઉનાળા પહેલાં રાજ્યમાં જળાશયોમાં પાણી ખૂટ્યું છે.

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં માત્ર ૩૦.૩૮ ટકા પાણીનો જથ્થો બચ્યો છે કચ્છના ૨૦ જળાશયોમાં ૩૬.૯૫ ટકા પાણી બચ્યું,ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૮.૪૯ ટકા પાણી ,મય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૬૦.૯૭ ટકા પાણીનો જથ્થો,દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૦.૫૩ ટકા પાણી બચ્યું છે જયારે રાજ્યના ૨ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો જથ્થો છે,૬ જળાશયોમાં ૮૦થી ૯૦ ટકા પાણી છે,૭ જળાશયોમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે,જ્યારે ૧૯૧ જળાશયોમાં ૭૦ ટકા ઓછું પાણી રહ્યું છે

લોક્સભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે લોકોની પાયાની સમસ્યાઓમાં ક્યાંક ને ક્યાંક લોકો ચૂંટણીમાં મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપતા હોય છે. ત્યારે વાત છે જૂનાગઢના વોર્ડ નંબર ૧૫ માં આવેલ આંબેડકર નગરમાં ઉનાળાના ધોમધખતા તાપમાં પાણીની સમસ્યા સર્જાતા આ વિસ્તારના રહીશો આકરા પાણીએ આવી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર મચી છે. વોર્ડ નંબર ૧૫ ના આંબેડકર નગરમાં છેલ્લા ૪ વર્ષથી પાણીના ટાકાઓ ખાલીખમ છે. મનપાને અવારનવાર રજુઆત કરવા છતાં આ વિસ્તારની સમસ્યા આજે પણ જેમની તેમજ હોવાનું આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે. પહેલા પાણી આપો પછી જ મતદાન કરીશું ની ચીમકી આપતા ચૂંટણી ટાણે ચકચાર મચી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે રઝળપાટ કરતી આ વિસ્તારની મહિલાઓ હવે ચૂંટણી સમયે લડી લેવામાં મૂડમાં આવી છે. જ્યારે આ મુદ્દે મનપા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે આ પાણી ની સમસ્યા પાછળ ત્યાંના રહીશોના અંદરો અંદરના ઝગડાઓના લીધે અવ્યવસ્થા સર્જાતા પાણીની કૃત્રિમ સમસ્યા ઉભી થઇ છે, આ જગ્યાએ બોર પણ કરવામાં આવેલ છે હવે લાઈટ કનેક્શન ની માંગ કરી છે.