
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઘરે જઈને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણીને આજે દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વિભૂતિયોને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે પાંચમી હસ્તી અડવાણી હતા પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે તેઓ પહોંચી શક્યા નહોતા જેના પગલે તેમને ઘરે જઈને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તે રાષ્ટ્રીય સેવા જેમ કે કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમત-ગમત માટે અપાય છે. પોતાના ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ કાર્ય અને યોગદાન આપીને દેશનું ગૌરવ વધારતી હસ્તીઓને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.