વેજલપુરમાં બે વર્ષનું બાળક તેના જન્મદિવસે જ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકામાં પડી જતાં મોત.

વેજલપુર ગામે પાણીના ટાંકામાં પડી જતા 02 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ગઈકાલે બાળકનો જન્મદિવસ હતો, ઘરના સભ્યો તેના જન્મદિવસની ઉજવણી કરવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા, ત્યારે બાળક રમતું રમતું અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પડી ગયું હતું. ટાંકામાં પાણી ભરેલું હતું જેમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો બાળકના જન્મદિવસની ઉજવણીની ખુશીઓમાં હતા અને ‘નજર હટી દુર્ઘટના ઘટી’ ઉક્તિ સાચી પડતા પરિવારની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. બાળકના પિતાએ મોડી સાંજે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાકણ ફળિયામાં રહેતા દિલીપ રાજેશભાઈ ભરવાડ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, લગ્ન બાદ તેઓને સંતાનમાં દીકરો જન્મતા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. 02 વર્ષના દીકરા સિદ્ધાર્થનો ગઈકાલે 31મી માર્ચે જન્મદિવસ હતો. સાંજે પરિવારના સૌ સભ્યો જન્મ દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં લાગ્યા હતા, ત્યારે સૌની નજર સિદ્ધાર્થ ઉપરથી હટી હતી અને બાળક રમતાં રમતાં ઘરના પરસાળમાં બનાવેલા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા પાસે ચાલ્યું ગયું હતું. ટાંકા ઉપર લાકડાના પાટિયા મુકેલા હતા જે આઘા પાછા હોવાથી બાળક ટાંકામાં પડ્યું હતું.

પરિવારના સભ્યોનું જન્મ દિવસ ઉજવણીની તૈયારીઓમાંથી ધ્યાન સિદ્ધાર્થ તરફ જતા તે ક્યાંય જોવા મળ્યો ન હતો, જેની શોધખોળ કરતા બાળક પાણીના ટાંકામાં પડેલું જણાઈ આવતા પરિવારજનોમાં રોકકળ મચી હતી. જન્મદિવસે જ બાળકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પરિવારજનોની જન્મદિવસની ઉજવણીની ખુશી પણ શોકમાં ફેરવાઈ ગઈ હતી.