સંજેલી પંચાયતમાં સ્ટ્રીટ લાઈટનુ વીજ બિલ ન ભરતા જોડાણ કપાયુ

સંજેલી, સંજેલી ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની લડાઈમાં ગ્રામજનો અને કર્મચારીઓને ભારે હાલાકી પડી રહી છે. સરપંચ અને સભ્યોને અંદર અંદરની ખેંચતાણની લડાઈ ચરમ સીમાએ પહોંચી છે ત્યારે આયોજન તેમજ વિકાસના કામો પણ એકબીજાને અડચણરૂપ થઈ અને વિરોધ વંટોળ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક માસથી ગ્રામ પંચાયતના કર્મચારીઓ પગારને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. વીસ માસ જેટલો પગાર બાકી છતાં પણ પંચાયત તંત્ર દ્વારા કર્મચારીઓને પગાર ચુકવતા નથી. અને કર્મચારીઓ 1 માર્ચથી હડતાળ પર ઉતર્યા ત્યારે પંચાયતના સરપંચ કે તાલુકાના અધિકારીઓ -કર્મચારીઓને બોલાવી અને તેમની સાથે કોઈ વાતચીત કરવા કે તેમને પગાર આપી અને રેગ્યુલર કામ કરવા માટે પણ કહેતા નથી. સરપંચના કેટલાક મળતિયા સભ્યો અને સભ્ય પતિ દેવો દ્વારા હાલ ગ્રામ પંચાયતના વોટર વર્કસના કામો, વીજના કામો અને પંચાયતમાં નાના-મોટા કામો કરી રહ્યા છે. પરંતુ કર્મચારીઓને મનાવવાની કે તેમને પગાર આપવાની કોઈપણ જાતની હસ્તી લેતા નથી. અને સંજેલી ગ્રામ પંચાયતના 3,15,676.44 જેટલા સ્ટ્રીટ લાઈટનુ વીજબીલ બાકી હોવાને કારણે વીજ કર્મચારી દ્વારા વારંવાર માંગણી કરતા એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક પણ પંચાયત પાસે બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો છે. અને વીજ પુરવઠો કાપી નાંખતા સંજેલી નગરમાં રાત્રિ દરમિયાન અંધારપાટ છવાઈ ગયો છે.