દાહોદ જીલ્લામાં અલગ-અલગ ત્રણ અકસ્માત બનાવમાં પાંચ વ્યકિતઓના મોત નિપજાવા પામ્યા

દાહોદ,દાહોદ જીલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોનો ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં પાંચના મોત નીપજતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. દાહોદ જીલ્લામાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાંઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે સ્મસાનની સામે મેન રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.25મી માર્ચના રોજ એક રીક્ષાના ચાલકે પોતાના કબજાની રીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા મહેશભાઈ મીઠાભાઈ ખડીયા (રહે. ધારા ડુંગર, ડામોર ફળિયું 1, તા. ઝાલોદ, જી. દાહોદ) ને જોશભેર ટક્કર મારતાં મહેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન મહેશભાઈનું મોત નીપજતાં આ સંબંધે મીઠાભાઈ કાળીયાભાઈ ખડીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે આઠ લાઈન કોરીડોર હાઈવે પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.29મી માર્ચના રોજ રાજેશભાઈ પીદાભાઈ મછાર (રહે. ઈમલી, ઝરન, તા. સજ્જનગડ, જી. બાંસવાડા, રાજસ્થાન) અને તેમની સાથે નિલેશભાઈ રેમાનભાઈ મછાર એમ બંન્ને વ્યક્તિઓએ એક મોટરસાઈકલ પર સવાર થઈ ગુલતોરા ગામે આઠ લાઈન કોરીડોર હાઈવે પાસેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે રાજેશભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતાં અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેનું મોત નીપજ્યું હતું. આ સંબંધે પીદાભાઈ મડીયાભાઈ મછારે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.29મી માર્ચના રોજ એક લોડીંગ છકડાના ચાલકે પોતાના છકડાને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા આકાશભાઈ ચીમનભાઈ ડામોર (રહે. જેતપુર, ખેડા ફળિયું, તા. ઝાલોદ જી. દાહોદ) અને તેમની સાથે સંજયભાઈ મોહનભાઈ ગરાસીયા (રહે. મોલી, તા. સંજેલી, જી. દાહોદ)નાઓને જોશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ સવાર બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને યુવકોને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં બંન્ને યુવકોનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ચીમનભાઈ લુજાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.