- સ્વયંવરની પ્રથા તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો જેસાવાડા ખાતે યોજાયો.
દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આજરોજ ગોળ ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. દાહોદ જીલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના તેમજ અન્ય જીલ્લાના લોકો મેળો જોવા ઉમટી પડયા હતા.
ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચિનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં વિશ્ર્વ પ્રસિધ્ધ દાહોદ જીલ્લામાંનો જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં આગવુ મહત્વ ધરાવે છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યું છે.
જેસાવાડા ખાતે પરંપરાગત ગોળ ગધેડાનો મેળો આજે ભરાયો હતો. આ મેળો વિશ્ર્વ પ્રસિધ્ધ પામેલો મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવ્યો હતો.
આશરે 25 થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવી હતી.આ થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ સાંસ્કૃતિક લોકગીતો ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરતી નજરે પડી હતી. તેઓની પહેરેદારી વચ્ચે નજર ચુકવી યુવાનો થાંભવા ઉપર ચઢવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા.
ગોળગોળ ફરતી યુવતીઓ આ યુવાનોને સોટીના સોટા મારી ઉપર ચઢતા રોકતી યુવતીઓ નજરે પડી હતી. કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો, પણ હવે કળયુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલાવ આવ્યો છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલીજ રહી ગઈ છે.
હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે. તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. મેળામાં ખાણીપીણીના સ્ટોલો, રમત ગમતના રમકડાં, જેવી ચીજ વસ્તુઓ જોવા મળ્યા હતા.તેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાંજીત્રો સાથે મેળામાં જોવા મળ્યા હતા. મેળાનો નજારો આહ્લાદક અને આકર્ષણ જમાવે તેવો હતો. આ મેળો જોવા માટે દાહોદ જીલ્લાના આસપાસના જીલ્લાઓ સહિત આસપાસના રાજ્યોના લોકો પણ આ મેળો નિહાળવા માટે આવતાં હોય છે. ત્યારે ઘણી વાર તો આ મેળામાં લોકોની સાંસ્કૃતિક પરંપરા જોવા માટે વિદેશી પણ ઘણી વખત લોકો આ મેળો જોવા ભુતકાળમાં લોકો આવી ચુક્યાં છે.