દાહોદના માણેકચોક ખાતે ફર્નિચરની દુકાનની લીફટ તુટી જતાં 7 વ્યકિતને ઈજાઓ : 1 વ્યકિતનું મોત

દાહોદ,દાહોદ શહેરના હાર્દ સમા અને 24 કલાક ધમધમતા એવા માણેકચોક ખાતે એક ફર્નિચરની દુકાનની લીફ્ટ તૂટી પડતા લિફ્ટમાં સવાર 07 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાનું જાણવા મળે છે. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

આજરોજ બપોરના 2 વાગ્યાના આસપાસ દાહોદ શહેરના માણેકચોક ખાતે આવેલ એક ફર્નિચરની દુકાનમાં દાહોદ તાલુકાના ખરોદા ગામે રહેતા રમીલાબેન ડોડીયાર તથા તેમના પરિવારજનો મળી છ વ્યક્તિઓ આવતીકાલે તેમની દીકરીના લગ્ન હોવાથી દાહોદ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે દાહોદ શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલ એક ફર્નિચર ની દુકાનમાં લગ્નનો સામાન લેવા માટે આવ્યા હતા. ત્યારે ફર્નિચરની દુકાનમાં લાગેલ લિફ્ટમાં સવાર થઈ ત્રીજા માળેથી રમીલાબેન તથા તેમના પરિવારના સદસ્યો લિફ્ટમાં સવાર થઈ ત્રીજા માળે જતા હતા ત્યારે એકાએક લિફ્ટ તૂટી પડતા લિફ્ટની સાથે 06 વ્યક્તિઓ જમીન પર ધડાકાભેર ફટકાતા ત્યારે લિફ્ટની નીચે કામ કરી રહેલ ફર્નિચરની દુકાનના કર્મચારી રોહિતભાઈ (રહે. સાહડા તા.ગરબાડા જી.દાહોદ) લિફ્ટ ની નીચે આવી દબાઈ જતા રોહિતભાઈ ને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા પ્રાથમિક તબક્કે ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કરવામાં આવતા તમામ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાંચ પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોકરીના લગ્ન પ્રસંગની ખરીદી કરવા આવતા અકસ્માતનો ભોગ બન્યા…..

ખરોદા ગામની રમીલાબેન ડોડીયાર તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે સ્ટીલ ફર્નિચરની દુકાનમાં ખરીદી કરવા આવ્યા હતા અને લિફ્ટમાં સવાર થઈ ત્રીજા મળે જતા સમયે આ ઘટના બની હતી. જેમાં સરોડા ગામના પરિવારનાં સભ્યોને હાથ પગ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઉપરોક્ત પાંચેક ઇજાગ્રસ્તોને દાહોદના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્ટીલ ફર્નિચરની દુકાનમાં કામ કરતા ગરબાડાનો 21 વર્ષથી યુવક કાળ નો ભોગ બન્યો…..

ગરબાડા તાલુકાના સાહડા ગામનો 21 વર્ષીય રોહિત દિનેશ રાઠોડ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. અકસ્માત સમયે લિફ્ટ તૂટી ધડાકાભેર નીચે આવી હતી. તે દરમિયાન દિનેશ રાઠોડ લિફ્ટ પાસે ઉભેલો હતો. લિફ્ટ સાથે અથડાતા તેના માથાના ભાગે પહોંચતા તેના પ્રાણ પખેલું ઘટના સ્થળે જ ઊડી ગયા હતા.

કોમર્શીયલ લીફ્ટમાં માણસોને ભરી લઈ જવા માટે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. લીફ્ટનું મેન્ટેનેન્સ ક્યારે કરવામાં આવ્યું હતું ? લીફ્ટની એનઓસી ક્યારે આપવામાં આવી હતી ? કોમર્શીયલ લીફ્ટના નિયમો શિખવવામાં આવ્યાં હતાં કે કેમ ? કેમ સામાન લઈ જવા માટે માણસોને લઈ જવામાં આવ્યાં હતાં ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. ત્યારે આ ઘટનામાં એકનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યાં છે. ત્યારે આ સંબંધે સમગ્ર મામલે સ્થાનીક પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.