મુંબઇ,
મહારાષ્ટ્રમાં કાર્યરત દુકાનો અને સંસ્થાઓના નામ ફરજિયાતપણે મરાઠી ભાષામાં લખવાના રાજ્ય સરકારના નિયમને પડકારતી એક અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે વેપારીઓના સંગઠનને સરકારની કાર્યવાહી સામે વચગાળાની રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશને પડકારતી અરજીમાં જસ્ટિસ કે.એમ.જોસેફ અને હૃષિકેશ રોયે વચગાળાના નિર્દેશો જારી કરી આગામી સુનાવણી ૧૮ નવેમ્બર પર મુલત્વી રાખી હતી.
ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે દુકાનો અને સંસ્થાઓને મરાઠી (દેવનાગરી લિપિ)માં તેમના નામ દર્શાવવાનું ફરજિયાત બનાવવાના રાજ્ય સરકારના નિયમને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી અને તેને રૂ. ૨૫,૦૦૦નો ખર્ચ ભરવા જણાવ્યું હતું.
હાઈકોર્ટે નોંયું હતું કે ડિસ્પ્લે બોર્ડ પર અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી અને નિયમમાં ફક્ત એટલું જ ફરજિયાત છે કે દુકાનોના નામ મરાઠીમાં પ્રદશત કરવા પડશે. અરજદારોએ મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ સવસ) એક્ટ,૨૦૧૭માં કરાયેલા સુધારાને પડકાર્યો હતો. આ સુધારા મુજબ દરેક દુકાનો અને સંસ્થાઓએ તેમના ડિસ્પ્લે બોર્ડ પર ફરજિયાત મરાઠીમાં નામ લખવાનું રહેશે અને તેના અક્ષરોની સાઈઝ પણ ડિસ્પ્લે બોર્ડમાં દર્શાવેલા અન્ય શબ્દો જેટલી જ રાખવાની રહેશે, તેનાથી નાની સાઈઝ માન્ય નહીં ગણાય.