લોક્સભામાં ફરી પાટીદાર અનામત આંદોલનની ગુંજ,પાટણમાં પાટીદારોનું શક્તિપ્રદર્શન

પાટણ, ગુજરાતમાં લોક્સભા ચૂંટણીના ઉમેદવારો જાહેર થતા જ તમામ પક્ષોમાં આંતરિક ડખો જોવા મળ્યો. રાજ્યના પાટણમાં પાટીદાર સમાજ પણ નારાજ જોવા મળ્યો. લોક્સભામાં ફરી પાટીદાર અનામત આંદોલનની ગુંજ જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોમાં પાટીદારોને લઈને કેટલાક નેતાઓ દ્વારા થતા નિવેદનો બાદ પાટીદાર સમાજ રોષે ભરાયો છે. સોશિયલ મીડિયામાં ફરી પાટીદાર અનામતનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ વીડિયોને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.

પાટણની જાહેરસભામાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. પાટીદારોએ બદલો લેવાના સોગંધ લેતો વીડિયો વાયરલ થતા ચારેબાજુ ચર્ચા થઈ રહી છે કે શું ફરી પાટીદાર આંદોલન થવા જઈ રહ્યું છે. આ જાહેરસભામાં પાટીદારોએ ભાજપનો નામ ઉલ્લેખ કર્યા વગર કોંગ્રેસને મત આપવાના સોગંધ લીધા હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે. પાટીદાર અનામતનો બદલો લેવા પાટીદારોએ સદારામ, મા ઉમિયા તેમજ ખોડલ માના સોગંધ લીધા. વીડિયોમાં દેખાય છે કે જાહેર મંચ પર પાટીદાર આગેવાન કહી રહ્યા છે કે આ એજ ભાજપ છે જેણે અનેક વચનો આપ્યા હતા પરંતુ તે પૂરા કરવામાં પાછીપાની કરી છે. અને આ ભાજપના કારણે પાટીદારના અનેક યુવાનો શહીદ થયા છે. યુવાનોનો બદલો લેવા આ વખતે પાટણના ભાજપના ઉમેદવારના બદલે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને મત આપી તેમને વિજયી બનાવીશું તેવા પાટીદારોએ સોગંધ લીધા.

પાટણમાં યોજાયેલ પાટીદારોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે સત્તાના મદમાં ચૂર ભાજપ છેલ્લા ૫ વર્ષમાં કોઈ પાટીદાર આગેવાનને પૂછવા પણ આવ્યો નથી. અને ના તો તેમની કોઈ રજૂઆતો સાંભળવામાં આવી છે. અમારા પ્રશ્ર્નો આજે પણ વણઉકેલ્યા રહ્યા છે. પાટણમાં ચંદનજીને જીતાડી બદલો લેવા આહવાન કરવામાં આવ્યું છે. પાટીદાર નેતા રેશ્મા પટેલે પણ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે પાટીદાર સમાજ ભોળો છે એટલે ભાજપ તેમની મનમાની કરે છે. હું આપ પાર્ટીમાં છું છતાં પણ પાટીદાર સમાજ અમને સાથ આપી રહ્યો છે. ભાજપને સત્તાનું અભિમાન છે એટલે કોઈ આગેવાનનું સન્માન કરતું નથી. વધુમાં રેશ્મા પટેલે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપ વિપક્ષના નેતાઓ પર ખોટા કેસ કરીને તેમને ડરાવે છે.