આઇપીએલમાં સળંગ બે મેચ હારતા દિલ્હી કેપિટલ્સના કેપ્ટને ગુસ્સો કાઢ્યો

નવીદિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૭મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમને તેની શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૧૨ રનની હાર બાદ ડીસી ટીમના કેપ્ટન ૠષભ પંત પણ ખૂબ જ ઉદાસ દેખાયા હતા. કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ પંત લગભગ ૧૪ મહિના પછી મેદાનમાં પરત ફર્યો છે. પંજાબ કિંગ્સ સામેની પ્રથમ મેચમાં પણ પંત બેટથી સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, જ્યારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે પિચ પર સમય વિતાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જેના પછી તે ઘણો નિરાશ જોવા મળ્યો હતો. આ દરમિયાન, પેવેલિયન પરત ફરતી વખતે, પંતે ગુસ્સામાં તેનું બેટ પણ દિવાલ પર અથડાવ્યું, જે સ્પષ્ટપણે તેનો ગુસ્સો પોતાની જાત પર દર્શાવે છે.

આ મેચમાં જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ ૧૮૬ રનના સ્કોરનો પીછો કરી રહી હતી ત્યારે તેણે ૧૩ ઓવરના અંતે ૧૦૫ રન બનાવી લીધા હતા. આ પછી રાજસ્થાન તરફથી ઇનિંગ્સની ૧૪મી ઓવર ફેંકવા આવેલા યુઝવેન્દ્ર ચહલે બોલ થોડો બહાર સ્ટ્રાઇક પર રહેલા ૠષભ પંત તરફ ફેંક્યો, જેના પર તેણે કટ શોટ રમવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બોલ પંતના બેટની બહારની કિનારી પર લાગ્યો અને સીધો વિકેટકીપર સંજુ સેમસનના ગ્લોવ્સમાં ગયો.

આ રીતે આઉટ થયા બાદ પંત ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો અને તેની વિકેટ પણ આ મેચનો સૌથી મોટો ટનગ પોઈન્ટ હતો, જ્યાંથી રાજસ્થાન રોયલ્સ ટીમે મેચમાં પોતાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી લીધી હતી. રિષભ આ મેચમાં ૨૬ બોલમાં ૨૮ રન બનાવીને આઉટ થયો હતો. ડ્રેસિંગ રૂમમાં જતી વખતે પંતે ગુસ્સામાં પોતાનું બેટ પણ દિવાલ પર માર્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના બોલરોએ ખૂબ જ સારી શરૂઆત કરી હતી અને રાજસ્થાન રોયલ્સ ટીમને ૧૫ ઓવરમાં માત્ર ૧૦૮ રન જ બનાવી શકી હતી. આ પછી, રિયાન પરાગની વિસ્ફોટક ઇનિંગે આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમની સ્થિતિ સંપૂર્ણપણે મજબૂત કરી દીધી. પરાગના બેટમાં ૪૫ બોલમાં ૭ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૮૪ રનની અણનમ ઇનિંગ જોવા મળી હતી. રાજસ્થાનની ટીમ તેની શરૂઆતની બંને મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં ૪ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.