- ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી.
લખનૌ, બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને ડોન મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મેડિકલ કોલેજ બાંદાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસ પ્રશાસને સમગ્ર યુપીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે જ અંસારીના મોતને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. બહુજન સમાજ પાર્ટી,રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસથી એઆઇએમઆઇએમ સુધી યુપીના પૂર્વ ધારાસભ્યના મૃત્યુ અંગે સવાલો ઉઠાવ્યા છે. હકીક્તમાં, બે દિવસ પહેલા જ્યારે મુખ્તારની તબિયત બગડતાં તેને જેલમાંથી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો ત્યારે તેના ભાઈ અફઝલ અને પુત્ર ઉમર અબ્બાસે મોતનો ડર વ્યક્ત કર્યો હતો. જેલ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અફઝલે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેના ભાઈને જેલમાં ઝેર આપવામાં આવી રહ્યું છે. ૬૩ વર્ષીય અંસારી પાંચ વખત મૌ સદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે ૨૦૦૫થી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં જેલના સળિયા પાછળ હતો. તેની સામે ૬૦થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ હતા.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ કહ્યું, ‘મુખ્તાર અંસારીના પરિવાર દ્વારા જેલમાં તેમના મૃત્યુને લઈને સતત આશંકા અને ગંભીર આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જરૂરી છે, જેથી તેમના મૃત્યુની સાચી હકીક્ત બહાર આવી શકે. આવી સ્થિતિમાં તેમના પરિવારજનો માટે દુ:ખી થવું સ્વાભાવિક છે. કુદરત તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અંસારીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘યુપીના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા. અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ નુક્સાન સહન કરવાની શક્તિ આપે.
તેજસ્વી યાદવે આગળ કહ્યું, ‘થોડા દિવસો પહેલા તેણે ફરિયાદ કરી હતી કે તેને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું, છતાં તેને ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. પ્રથમ દૃષ્ટિએ, આ ન્યાયી અને માનવીય લાગતું નથી. બંધારણીય સંસ્થાઓએ આવા અજીબોગરીબ કિસ્સાઓ અને ઘટનાઓ પર સ્વત: સંજ્ઞાન લેવું જોઈએ. તે જ સમયે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ અંસારીના ભાઈ દ્વારા કરવામાં આવેલા આરોપો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘ગાઝીપુરના લોકોએ તેમના પ્રિય પુત્ર અને ભાઈને ગુમાવ્યા. મુખ્તારે પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેને ઝેર આપવામાં આવ્યું હતું. આમ છતાં સરકારે તેની સારવાર પર કોઈ યાન આપ્યું ન હતું. આ ખરેખર નિંદનીય અને ખેદજનક છે.
તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા બિહારના પૂર્વ સાંસદ પપ્પુ યાદવે અંસારીના મૃત્યુને ‘સંસ્થાકીય હત્યા’ ગણાવી હતી અને આ મામલે કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું, ‘પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની સંસ્થાકીય હત્યા. તે કાયદો, બંધારણ અને કુદરતી ન્યાયને દફનાવી દેવા જેવું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આ અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ! તેમના માર્ગદર્શન હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ઘણા દિવસોથી મુખ્તાર આરોપ લગાવી રહ્યો હતો કે તેને ઝેર આપવામાં આવી રહ્યું છે. આ આરોપ તેમના સાંસદ ભાઈએ પણ લગાવ્યો હતો.સપા નેતા રામ ગોપાલ યાદવે કહ્યું છે કે ’પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું મૃત્યુ જે સંજોગોમાં થયું તે અત્યંત ચિંતાજનક છે. તેણે પહેલા જ કોર્ટમાં અરજી કરી હતી અને ઝેર પીને તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. વર્તમાન વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિ ન તો જેલમાં, ન પોલીસ કસ્ટડીમાં કે ન તો પોતાના ઘરમાં સુરક્ષિત છે. વહીવટી આતંકનું વાતાવરણ સર્જીને લોકોને મોં બંધ રાખવાની ફરજ પડી રહી છે. શું મુખ્તાર અંસારીએ કોર્ટમાં આપેલી અરજીના આધારે યુપી સરકાર ન્યાયિક તપાસનો આદેશ આપશે?’