દે.બારીઆ તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર

દે.બારીઆ, દે.બારીઆ તાલુકાની ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતી રેતીની લીઝોની અમુક સરકારી આવક પંચાયતમાં થતી હોવા છતાં વિકાસની કામગીરી શુન્ય જોવા મળી રહી છે. લીઝ વિસ્તાર ધરાવતી ગ્રામ પંચાયતમાં સરકારી આવક હોવા છતાં રોડ રસ્તાની મરામત થતી નથી તેવી ફરિયાદો ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકામાં પાનમ નદી અને ઉજજવળ નદી એમ બે નદીઓ પસાર થાય છ. આ બંને નદીઓ નદી કાંઠાના ગામડાની જીવાદોરી કહી શકાય તેમાં કઈં નવુ નથી. નદી કાંઠે સફેદ રેતી, માટી, નદીના પથ્થર સહિત કેટલીક ખનીજ વસ્તુઓમાંથી અહિંયાના લોકો આવક મેળવી રહ્યા છે. દે.બારીઆ તાલુકાના લગભગ જુના બારીયા, બૈણા, ચેનપુર, ઉંચવાણ, રામા, ભથવાડા, ભુતિયા, કાળીડુંગરી, વિરોલ, દુધિયા, ભડભા, રાતડીયા સહિત અનેક ગામડામાંથી પસાર થાય છે. અને આ ગામડાઓમાં લગભગ અમુક જગ્યાએ કાયદેસરની રેતીની લીઝની મંજુરી સરકારના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જે લીઝ ઉપરથી રેતી ભરીને લઈ જવામાં આવે છે. ત્યાં લીઝ ઉપરથી રેતીની રોયલ્ટી પાસ ફરજીયાત લેવાનુ હોય છે. જે રોયલ્ટીના નાણાં સરકારમાં જમા થતા હોય છે. પરંતુ મળતી ખાનગી માહિતી પ્રમાણે દે.બારીઆ તાલુકાની અમુક ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારની રેતીની લીઝો આવેલ છે. તે લીઝ ઉપર પણ કાયદેસરની રોયલ્ટી પહોંચ અપાતી હોય છે. આ રોયલ્ટી સરકારના ખાણ ખનીજ વિભાગની સરકારી આવક તો ખરી પરંતુ જે તે ગ્રામ પંચાયતમાં પણ રોયલ્ટીની રકમ વર્ષે દહાડે જમાં થતી હોય છે. જે રોયલ્ટીની મળેલ રકમમાંથી ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતી વહન કરતી ભારે વજનદાર ગાડીઓના કારણે તુટી ગયેલ રોડ, રસ્તા,રિપેરીંગ કરવા તેમજ વિકાસના કામો કરવા માટે ઉપયોગમાં લેવાનુ હોય છે.કેટલીક ગ્રામ પંચાયતમાં વર્ષોથી રેતીની લીઝ ચાલતી હોય સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગ્રામ પંચાયતમાં મળતી રેતીની લાખો રૂપિયાની આવકમાંથી લગભગ કોઈપણ ગ્રામ પંચાયત વિસ્તારમાં સીસી રોડ, ડામર રોડના કોઈ ઠેકાણા નથી. કયાંક ઓછુ ભણેલા સરપંચ હોય અને તલાટીઓ આવી મળતી ગ્રાન્ટનો ઉપયોગ કયાં કરે છે. તેની ખબર નહિ હોય ત્યારે અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા ! જેવી વહીવટી કામગીરી ગ્રામ પંચાયત વિસ્તારમાં થતી હોય છે. આમ દે.બારીઆ તાલુકાની રેતીની કાયદેસરની લીઝ વાળી ગ્રામ પંચાયતમાં મળતી રેતીની સરકારી આવકની વપરાશ ગ્રામ પંચાયત વિસ્તારમાં કયાં અને કેટલી થઈ તેની તપાસ થાય તે જરૂરી છે.