નવીદિલ્હી,
ભારતીય જનતા પાર્ટીના નેતા તેજિંદર સિંહ બગ્ગાએ ફરી એકવાર જનપથ, નોર્થ એવન્યુ અને શિવાજી સ્ટેડિયમની આસપાસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પોસ્ટર લગાવ્યા છે. આ વખતે તેજિંદરે આ પોસ્ટરમાં કેજરીવાલની સરખામણી હિટલર સાથે કરી છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘હિટલર પછી કેજરીવાલ બીજા શાસક છે જેમણે શહેરને ગેસ ચેમ્બરમાં ફેરવી દીધું છે’ અને તેજિંદર સિંહ બગ્ગાએ પોસ્ટરની નીચે જવાબદારી લેતા તેમનું નામ લખ્યું છે. આ પહેલીવાર નથી કે ભાજપના કોઈ નેતાએ શહેરમાં આ પ્રકારના પોસ્ટર લગાડ્યા છે.
તેજિંદર પહેલા જ ‘કેજરીવાલ મસાજ સેન્ટર’ના પોસ્ટર લગાવી ચૂક્યો છે. હકીક્તમાં, તિહાર જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને આપવામાં આવતી વીઆઈપી ટ્રીટમેન્ટને લઈને જોરદાર રાજનીતિ ચાલી રહી છે. ઈડ્ઢ દ્વારા સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે સત્યેન્દ્ર જૈન જેલની અંદર આરામથી માથા અને પગની મસાજ કરાવે છે. એટલું જ નહીં, તેની પત્ની લગભગ દરરોજ તેને મળવા જેલમાં આવે છે અને તેને ઘરનું ભોજન પીરસવામાં આવે છે. હવે આ અંગે ભાજપ આમ આદમી પાર્ટીને ચારે બાજુથી ઘેરી રહી છે. તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ તિહાર જેલની બહાર અને દિલ્હીમાં ઘણી જગ્યાએ ‘કેજરીવાલ મસાજ સેન્ટર’ના પોસ્ટર ચોંટાડ્યા છે.
બીજી તરફ તેજિન્દર સિંહ બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટર સાથે પોતાનો એક વીડિયો જાહેર કરીને કહ્યું કે અમારા સીએમ અરવિંદ કેજરીવાલ ખૂબ સારા માણસ છે. તેણે દિલ્હીની તિહાર જેલની અંદર મસાજ સેન્ટર ખોલ્યું છે. અમે આ પોસ્ટર તિહાર જેલની બહાર લગાવ્યું છે જેથી સામાન્ય માણસ પણ મફતમાં મસાજ કરી શકે.
જણાવી દઈએ કે ઠગ સુકેશ ચંદ્રશેખરે લેટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેણે સત્યેન્દ્ર જૈનને દિલ્હીની તિહાર જેલમાં રોકાણ દરમિયાન પ્રોટેક્શન મની તરીકે ૧૦ કરોડ રૂપિયા આપ્યા છે. સુકેશ ચંદ્રશેખરનો દાવો છે કે તેણે આ પૈસા સત્યેન્દ્ર જૈનના નજીકના મિત્રને આપ્યા હતા. સુકેશે આ પત્ર પોતાના હાથે એલજીને લખ્યો હતો, જે તેના વકીલે એલજીને સોંપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા આ મુદ્દે આગળ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ મહાઠગ સાથે ઠગાઈ કરી લીધી છે.