દે.બારીઆ, દે.બારીઆ શહેરમાં પાલિકાની દબાણ હટાવો ઝુંબેશમાં કયાંક વ્હાલા દવલાની નિતીને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. નગરના તમામ દબાણ હટાવવા જનતાની માંગ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દે.બારીઆ શહેરમાં દબાણો હટાવવા એ વાત પાલિકા માટે નાની સુની વાત બની છે. કેમ કે દબાણ હટાવ્યા પછી ફરીથી એ જગ્યાએ દબાણો યથાવત થઈ જતા હોય છે. એ પણ પાલિકાની મોટી મહેરબાની કહી શકાય. નગરના ટાવર વિસ્તારના લારી-ગલ્લા તેમજ ટાવરથી બસ સ્ટેન્ડ તરફ જતાં રોડ પર સમડી સર્કલ સુધી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આ ટ્રાફિક શાકભાજી તેમજ લારી-ગલ્લાવાળા નાના વેપારીઓ દ્વારા દિવસે ને દિવસે એકબીજાની દેખાદેખીમાં પોતાની દુકાનોનો માલસામાન રોડ તરફ બહાર લાવતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. અને આ રસ્તો સ્ટેટ હાઈવે આવેલ હોય જે રસ્તો પાવાગઢ, હાલોલ, કાલોલ, વડોદરા, છોટાઉદેપુર તરફ જતો હાઈવે ગણાય છે. જે રોડ ઉપર ચાલતા ભારે વાહનો તેમજ ફોર વ્હિલર, બાઈકો તેમજ નાની મોટી તમામ પ્રકારની ગાડીઓની વધારે અવર જવર થતી હોય જેને લઈ કયારેક નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. જેને લઈ હમણા તાજેતરમાં પોલીસ તંત્ર દ્વારા રોડ ઉપરના દબાણો ખુલ્લ કરવામાં આવ્યા હતા ત્યારે હવે સફાળા જાગેલા પાલિકા તંત્ર દ્વારા પણ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરીને દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કયાંક દબાણ હટાવવામાં વ્હાલ દવલાની નિતી પણ કામ કરી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ખરેખર ખોટી રીતે કરેલ દબાણો દુર કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દુર થાય તેમ છે. સાથે પાકા બાંધકામવાળા દબાણો અમુક વિસ્તારોમાં હજુ પણ અડીખમ ઉભા છે. તેમના દબાણો પણ દુર કરવા જોઈએ. દે.બારીઆ પાલિકા તંત્ર દ્વારા પાલિકા વિસ્તારના કેટલાય પાકા દબાણો પણ હટાવી લેવામાં આવે તેવી જનતા સહિત વેપારીઓની માંગ છે.