દાહોદ શહેર સહિત જીલ્લા વાતાવરણમાં પલ્ટો વહેલી સવારે માવઠું પડયું

દાહોદ,દાહોદ શહેર સહિત જીલ્લામાં આજરોજ વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વહેલી સવારના સમયે કમોસમી માવઠુ પડ્યું હતું. ત્યારે સવારના આ માવઠાને પગલે વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી હતી, પરંતુ બપોર બાદ એકાએક ગરમીમાં વધારો થતાં બફારાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં.

દાહોદ શહેર સહિત જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો હેરાન પરેશાન જોવા મળતાં હતાં. ત્યારે આજરોજ વહેલી સવારે દાહોદ જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક કમોસમી માવઠુ પડતાં જેમાં દાહોદ, ગરબાડા, ઝાલોદ જેવા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સવારના માવઠા બાદ બપોરના સમયે ધોમધમધકતા તાપના કારણે બફારાનું વાતાવરણ સર્જાતા લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયો હતો. ત્યારે ભર ઉનાળે કમોસમી માવઠાને પગલે શરદી, ખાંસી, તાવ જેવી બિમારીઓએ પણ માથુ ઉચકતાં શહેર સહિત જીલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓનો સારવાર માટે ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે. કમોસમી માવઠાને પગલે ખેડુત મિત્રોમાં પણ ચિંતાના વાદળો છવાયા હતા. ત્યારે ખેડુત મિત્રોમાં પાકને નુકસાન થયું હોવાની ભીતી પણ સર્જાઈ હતી.