કાલોલ, કાલોલ તાલુકાના કનેટીયા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં તણાઈ આવેલા યુવક-યુવતીના મૃતદેહો મળી આવ્યા છે. યુવક-યુવતી બંને એકબીજા સાથે દુપટ્ટાથી બંધાયેલા હતા. કાલોલ ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. કાલોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કાલોલ તાલુકા માંથી પસાર થતી નર્મદા નહેરના કનેટીયા ગામના ગેટ ઉપર દુપટ્ટા વડે બાંધેલા યુવક યુવતીના મૃતદેહો જોવા મળતા કાલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કાલોલ ફાયર બ્રિગેડને કેનાલ ઉપર મોકલી સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા અને કાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલ્યા હતા. યુવક-યુવતી કોણ છે અને ક્યાંના છે, તે અંગે હાલ કોઈ જાણકારી મળી નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે કાળા રંગનું શર્ટ પહેરેલું છે, જ્યારે યુવતીએ ભૂરા રંગનું જીન્સ અને આછા બદામી રંગનું ટોપ પહેરેલું છે. પોલીસ યુવક યુવતી અંગેની ઓળખ છતી થાય તો કાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે. યુવક અને યુવતી બંનેના મૃતદેહો એકબીજા સાથે દુપટ્ટે બાંધેલા હોવાથી બંને પ્રેમી પંખીડાઓએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા બંનેના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.