વધતા ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતી પર સંકટ તોળાઈ રહ્યું છે. જે ગતિથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, તે આમ આદમી માટે તો કષ્ટદાયક છે જ, ખેડૂત માટે સંકટ વધારે છે. તેની સીધી અસર ખેતરોની ઉત્પાદક્તા પર પડી રહી છે. જેના મુકાબલા માટે સુનિયોજિત તૈયારીની જરૂર છે. ખેડૂતોએ એ વૈકલ્પિક પાકો વિશે વિચારવું પડશે, જે ઓછા પાણી અને વધુ તાપ છતાં બહેતર ઉત્પાદન આપી શકે. અનાજ ઉત્પાદકોને ધરતીના તાપમાનમાં ઉત્પન્ન ખતરા પ્રત્યે સચેત કરવાની જરૂર છે. જો સમય રહેતાં એવું ન કરવામાં આવ્યું તો માની લો કે આપણે આસન્ન સંકટની અવગણના કરી રહ્યા છીએ. આ મુદ્દો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ મુદ્દો દુનિયાની સૌથી મોટી આબાદીની ખાદ્ય શૃંખલા સાથે પણ જોડાયેલો છે. એટલે કે જાણે અજાણે આ સંકટના વ્યાપમાં દેશનો દરેક નાગરિક આવશે. અસલમાં દુનિયાના તાપમાન પર નજર રાખનારી વૈશ્ર્વિક સંસ્થા ડબ્લ્યુએમઓનો રિપોર્ટ ચિંતા વધારી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં પૃથ્વીનું તાપમાન લગભગ સરેરાશ તાપમાનથી વધારે રહ્યું છે. વહેલામોડા એનાથી મનુષ્ય જીવનનું દરેક પાસું પ્રભાવિત થશે.
એ સર્વવિદિત છે કે દુનિયાના મોટાં રાષ્ટ્રો કાર્બન ઉત્સર્જન ઓછું કરવા તથા જીવાશ્મ ઇંધણ પર રોક લગાવવા માટે પ્રતિબદ્ઘ નથી દેખાતા. આખી દુનિયામાં વિકાસના નામે પ્રાકૃતિક સંસાધનોનું બેફામ દોહન કરી રહ્યા છે. તેઓ એ વાતને લઈને ગંભીર નથી દેખાતા કે આજે દુનિયામાં ઔદ્યોગિકીકરણ પહેલાંના સમયના મુકાબલે વિશ્ર્વનું તાપમાન નિર્ધારિત સીમાને પાર કરી ચૂક્યું છે. જે આપણા માટે ખતરાની ઘંટડી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આપણે હવામાનના બદલાવને અનુકૂળ ખુદને એ જ અનુપાતમાં ઝડપથી ઢાળી નથી શક્તા. અસલમાં હવામાનના વ્યવહારમાં ઝડપથી થઈ રહેલા બદલાવને અનુરૂપ ખેતીની પેટર્નમાં પણ બદલાવની જરૂર છે. એ પરંપરાગત પાકો પર યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે ઓછા વરસાદ અને વધુ તાપમાનમાં ઠીકઠાક ઉપજ આપવામાં સક્ષમ છે. એક સમયે ભારતમાં મોટા ભૂભાગમાં આપણે જાડાં ધાન્યોનું ઉત્પાદન કરતા હતા, જે ઓછા વરસાદમાં બહેતર ઉપજ આપતા હતા. પરંતુ સમયાંતરે આપણે વધુ સિંચાઈવાળા પાકોનું ઉત્પાદન વ્યાવસાયિક સ્તરે કરવાનું શરૂ કરી દીધું. હવામાનમાં બદલાવની અસર ખાદ્યાન્ન જ નહીં, શાકભાજી, ફળ-ફૂલો પર પણ ઊંડે સુધી પડી રહી છે. એવામાં માત્ર કાગળિયે કાર્યવાહી કરવાને બદલે ધરાતલ પર ઠોસ પગલાં ભરવાની જરૂર છ. આપણી કૃષિ યુનિવસટીઓએ પાકની નવી જાતોનાં બીજ તૈયાર કરવા પડશે, જે ખેડૂતોને આધાર આપવાની સાથે જ આપણી ખાદ્ય સુરક્ષા ચેઇનને સુરિક્ષત બનાવી શકે. સાથે જ આપણે કાર્બન ઉત્સર્જનના સ્ત્રોતો પર પણ અંકુશ લગાવવો પડશે. પશુધનનું સંરક્ષણ પણ અનિવાર્ય ગણાશે. જો આપણે અત્યારે નહીં જાગીએ તો આપણે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ચક્રવાતી તોફાન જેવી આપદાઓ માટે તૈયાર રહેવું પડશે. ભારત, જ્યાં દેશની અડધી આબાદી ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાયો પર નિર્ભર હોય તેના માટે આ સંકટ મોટું છે.