બીઆરઆઇ પ્રોજેક્ટને વેગ આપવા ચીને નેપાળની નવી સરકારને અપીલ કરી

બીજીંગ ચીને નેપાળની નવી સરકારને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ્સ માટે અમલીકરણ યોજનાને અંતિમ સ્વરૂપ આપવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટના કારણે નેપાળના રાજકારણમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. નેપાળના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન નારાયણ કાજી શ્રેષ્ઠાની મંગળવારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી, જેઓ પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ ચીન મુલાકાતે છે.

બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ) પ્રોજેક્ટ ચીનની મહત્વાકાંક્ષી યોજના છે. ચીન તેને ઝડપી બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. વડા પ્રધાન પુષ્પા કુમાર દહલ ’પ્રચંડ’ એ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનિસ્ટ) સાથે સરકાર બનાવ્યા પછી નેપાળમાં એક નવું રાજકીય જોડાણ જોવા મળી રહ્યું છે. તેનું નેતૃત્વ ચીન તરફી નેતા કેપી શર્મા ઓલી કરી રહ્યા છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે એક મિત્ર પાડોશી અને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ચીને હંમેશા નેપાળને તેની પડોશી મુત્સદ્દીગીરીની મહત્વપૂર્ણ દિશામાં સ્થાન આપ્યું છે. વાંગે શ્રેષ્ઠાને કહ્યું કે ચીન ઉચ્ચ ગુણવત્તાવાળા બેલ્ટ એન્ડ રોડ સહયોગને પ્રોત્સાહન આપવા માટે નેપાળ સાથે કામ કરવા તૈયાર છે

વાંગ યીએ જણાવ્યું હતું કે ચીન નેપાળને તેની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવની રક્ષા માટે નિશ્ર્ચિતપણે સમર્થન આપે છે અને નેપાળના આથક અને સામાજિક વિકાસને તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ મદદ કરવાનું ચાલુ રાખશે. દરમિયાન, બેઠક દરમિયાન નેપાળે બીઆરઆઇની અમલીકરણ યોજના પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવાની બંને દેશોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. નેપાળી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે બીઆરઆઇ અમલીકરણ યોજના પર હસ્તાક્ષર કરવામાં અમારા વિલંબને કારણે વસ્તુઓ ચીન સાથે અટકી છે. જ્યારે નાયબ વડાપ્રધાન શ્રેષ્ઠા સ્વદેશ પરત ફરશે ત્યારે અમે યોજના પર હસ્તાક્ષર કરવા અંગે વધુ ચર્ચા કરીશું.