ઇલિનોઇસ, અમેરિકાના ઉત્તરી ઈલિનોઈસમાં છરી વડે હુમલાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ભયાનક ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રોકફોર્ડ પોલીસ વડા કાર્લા રેડે જણાવ્યું હતું કે ૨૨ વર્ષીય શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલોમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે.
તેમણે જણાવ્યું હતું કે, રોકફોર્ડ પોલીસને સ્થાનિક સમયાનુસાર બપોરે ૧.૧૪ કલાકે પહેલો કોલ આવ્યો હતો, ત્યારબાદ બીજા ઘણા ફોન આવ્યા હતા. પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલમાં આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હોવાની શંકા નથી અને આવો જઘન્ય અપરાધ કરવા પાછળના શંકાસ્પદના હેતુ વિશે અમને હજુ સુધી ખબર નથી. રોકફોર્ડ પોલીસે શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે, પરંતુ વિન્નેબેગો કાઉન્ટી શેરિફ ઓફિસના જનસંપર્ક અધિકારી કોરી હિલીયાર્ડે સાંજે કહ્યું કે કુલ સાત લોકો ઘાયલ થયા છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ચોથાનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ૧૫ વર્ષની છોકરી, ૬૩ વર્ષની મહિલા, ૪૯ વર્ષીય પુરૂષ અને ૨૨ વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. ચારેયની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાના થોડા દિવસો પહેલા, રોકફોર્ડમાં વોલમાર્ટના એક કર્મચારીની સ્ટોરની અંદર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.