મુંબઇ, આઈપીએલની બે મેચમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ક્રિકેટ જગતના દિગ્ગજોએ માછલાં ધોયા હતા.
રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો મુંબઈ ઈન્ડીયન્સનો નિર્ણય કોઈને પણ પસંદ પડ્યો નથી ફેન્સથી માંડીને ક્રિકેટ જગતના દિગ્ગજોને પણ આ નિર્ણય અયોગ્ય લાગ્યો હતો પરંતુ હવે બે મેચમાં ધબડકા બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનન્સી પર સવાલ ઉઠવા લાગ્યાં છે. ઘણા દિગ્ગજોનું માનવું છે કે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ યોગ્ય રીતે કરી શક્તો નથી. લોકોએ તેના ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે. ઈરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યું, ઓછામાં ઓછું કહીએ તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સામાન્ય રહી છે. જ્યારે આ ધબડકો થઈ રહ્યો હતો ત્યારે બુમરાહને લાંબા સમય સુધી દૂર રાખવો એ મારી સમજની બહાર હતું. સુરેશ રૈના અને આકાશ ચોપરાએ કોમેન્ટ્રી દરમિયાન સવાલો ઉઠાવ્યા હતા અને હાર્દિકે બૂમરાહને બોલિંગ કેમ ન કરાવી તેનું કારણ જાણવા માગ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ ૨૦૨૪ની શરૂઆત અત્યંત ખરાબ રહી છે. પ્રથમ મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને ૬ રને પરાજય આપ્યો હતો. બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને ધોઈ નાખતાં ૨૭૭ રન ફટકાર્યાં હતા જેના કારણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા છે.
મુંબઈએ ઈજાગ્રસ્ત લુક વુડની જગ્યાએ ક્વેના મફાકાને આઈપીએલમાં ડેબ્યૂની તક આપી હતી પરંતુ તે ખૂબ મોંઘો પડ્યો. જસપ્રિત બુમરાહના રૂપમાં હાર્દિક પાસે વર્લ્ડ ક્લાસ બોલર હોવા છતાં તેણે તેને બંને મેચમાં તક આપી નહતી. હાદકે આ મેચમાં પાછલી મેચની ભૂલ પણ કરી હતી અને બુમરાહને ચોથી ઓવર નાખવા માટે આપી હતી, જેમાં તેણે માત્ર પાંચ રન આપ્યા હતા, પરંતુ તે પછી હાર્દિક પંડ્યાએ બુમરાહને બોલિંગથી દૂર રાખ્યો હતો અને ત્યાર બાદ ૧૩મી ઓવરમાં જ બોલ આપ્યો હતો, ત્યારે હૈદરાબાદે ૧૨ ઓવરમાં ૧૭૩ રન કર્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૭૭ રન બનાવ્યા હતા, જે આઇપીએલના ઇતિહાસનો સૌથી વધુ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો. આરસીબીએ વોરિયર્સ સામે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૬૩ રન બનાવ્યા હતા.