કર્ણાટકના બિદરમાં ઓટો રિક્ષા-ટ્રકની સીધી ટક્કરમાં ૭ મહિલાઓના મોત


બંગાલુરુ,
બિદરના ચિત્તગુપ્પા તાલુકામાં એક ગામમાં શુક્રવારે મોડી રાત્રે ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચેની અથડામણમાં સાત મહિલાઓના મોત થયા હતા અને અન્ય ૧૧ લોકો ઘાયલ થયા હતા. આ મહિલાઓ મજૂર હતી અને કામ પતાવી ઓટો રિક્ષા દ્વારા ઘરે પરત ફરી રહી હતી. બરમલખેડા સરકારી શાળા પાસે ઓટો રીક્ષા ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ પાર્વતી (૪૦), પ્રભાવતી (૩૬), ગુંડમ્મા (૬૦), યદમ્મા (૪૦), જગમ્મા (૩૪), ઈશ્ર્વરમ્મા (૫૫) અને રૂકમણી બાઈ (૬૦) તરીકે થઈ છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૧ લોકોમાં બંને વાહનોના ડ્રાઈવર પણ સામેલ છે. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે અકસ્માત બેમલખેડા ગામ પાસે થયો હતો. બુડામણહલ્લી ગામમાં રહેતી મહિલા મજૂરો કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ વર્ષે ૧૫ ઓગસ્ટે બિદરમાં જ બીજો મોટો અકસ્માત થયો હતો, જેમાં હૈદરાબાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાંગુર ચેકપોસ્ટ પાસે પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા એક જ પરિવારના સભ્યો હતા. આ તમામ લોકો હૈદરાબાદના બેગમપેટના રહેવાસી હતા.
૧૬ ઓક્ટોબરે કર્ણાટકના હાસનમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં ટેમ્પો અને કેએમએફ ટેક્ટર સામસામે અથડાયા હતા જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો ટેમ્પોમાં પણ ફસાઈ ગયા હતા. પોલીસ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ કોઈ બચ્યું નહીં. આ તમામ સુબ્રમણ્ય અને હસનંબા મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે, મુલાકાતીઓનો ટેમ્પો અરસિકેર તાલુકાના ગાંધીનગર પહોંચ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા કેએમએફ દૂધના વાહન સાથે અથડાયો હતો.