રાજકોટ, રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી શકે છે. પરસોત્તમ રૂપાલાને પોતાનું જ નિવેદન ભારે પડ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે રૂપાલાના વિવાદીત નિવેદનની ગંભીરતાથી નોંધ લીધી છે અને સમગ્ર વિવાદ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
સંજય રાઠોડ નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં ક્ષત્રિયો વિશે કરવામાં આવેલી વિવાદીત ટિપ્પણીનો ઉલ્લેખ હતો. અરજદારની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સમગ્ર વિવાદનો રિપોર્ટ માગ્યો છે. શક્ય છે કે આ રિપોર્ટ બાદ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે.
૨૪મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. જો કે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.