લોક્સભાની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે

ગાંધીનગર,\લોક્સભાની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

હાલમાં ચૂંટણીની અંદર પણ જુદા જુદા મંત્રીઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેટલા પણ પ્રભારી મંત્રી છે, તે તમામને પ્રચાર, કેમ્પેઇનથી લઇને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે.તેની સાથે જ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે જ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે લોક્સભા ચૂંટણી પછી ગુજરાતના રાજ્ય સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થઇ શકે છે. મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર આવી શકે છે.

માહિતી પ્રમાણે અત્યારે જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને ડ્રોપ કરવામાં આવી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ સામે આવી રહ્યુ છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે. જો તે જીતશે તો તેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. તેની સાથે જ સી જે ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. તેમને પણ કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ કે ચૂંટણી જીત્યા બાદ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે.

જો કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ, જો કે હજુ સુધી તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. તેથી જો તેઓ જીતશે તો તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.