- એવી કોઈ બંધારણીય જવાબદારી નથી કે અરવિંદ કેજરીવાલ તેમના પદ પર ચાલુ ન રહી શકે.
નવીદિલ્હી, હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના પદ પરથી હટાવવાની માંગ કરતી પીઆઇએલની સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે અને અરજીને ફગાવી દીધી છે. આ પીઆઇએલ સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવાને કારણે કાયદો અને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ આવશે અને દિલ્હીમાં બંધારણીય વ્યવસ્થા તૂટવાનો પણ ભય છે.
અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે, એવી કોઈ બંધારણીય જવાબદારી નથી કે અરવિંદ કેજરીવાલ તેમના પદ પર ચાલુ ન રહી શકે. હાઈકોર્ટે કહ્યું કે, આ કાર્યપાલિકા સાથે જોડાયેલો મામલો છે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર આ મામલાને જોશે અને પછી તે રાષ્ટ્રપતિને મોકલશે. આ મામલે કોર્ટની કોઈ ભૂમિકા નથી.
કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન કહ્યું કે, જો કોઈ બંધારણીય પ્રશ્ર્ન હશે તો લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) તેને જોશે, માત્ર તે જ તેને રાષ્ટ્રપતિ પાસે લઈ જઈ શકે છે. હાઈકોર્ટે કહ્યું કે હા, આમાં કેટલીક વ્યવહારિક સમસ્યાઓ હશે, પરંતુ અમે એલજી અથવા રાષ્ટ્રપતિને કઈ રીતે કહી શકીએ. કેન્દ્ર સરકારનું કામ છે, અમે કેવી રીતે દખલ કરીએ?
હાઈકોર્ટે કહ્યું કે, અમે કેવી રીતે હટાવવા માટે કહી શકીએ. આમાં ન્યાયિક સમીક્ષા કેવી રીતે થઈ શકે? કોર્ટે વધુમાં પૂછ્યું કે, શું કાયદામાં આવો કોઈ પ્રતિબંધ છે, જેના અનુસાર એવું કહી શકાય કે તેઓ સીએમ ન રહી શકે. કોર્ટે કહ્યું કે, આ અરજીમાં અરવિંદ કેજરીવાલને સીએમ પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. કોર્ટનું માનવું છે કે, આમાં ન્યાયિક હસ્તક્ષેપનો કોઈ અવકાશ નથી.આ અરજીને ફગાવી દેતા કોર્ટે એમ પણ કહ્યું કે, તે કેસની યોગ્યતા પર ટિપ્પણી કરી રહી નથી.
યાદવે દલીલ કરી છે કે, નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલા મુખ્યમંત્રી, જે ૨૮ માર્ચ સુધી ઈડ્ઢ કસ્ટડીમાં છે. તેમને પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, તેમની જેલ માત્ર કાયદાની યોગ્ય પ્રક્રિયામાં અવરોધે છે એટલું જ નહીં તે બંધારણને પણ નબળી બનાવે છે. અરજદારે બંધારણના અનુચ્છેદ ૧૬૩ અને ૧૬૪ને ટાંકીને દાવો કર્યો છે કે, કેદી હોવાના કારણે કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકેની તેમની ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ બને છે.
આ અરજીમાં જેલમાં બંધ મુખ્યમંત્રી જેલમાંથી સરકારી કામકાજ ચલાવતા હોવાની પણ વાત કરવામાં આવી છે. તેમાં સૂચવવામાં આવ્યું હતું કે, કેજરીવાલ સુધી પહોંચતી તમામ સામગ્રી પર જેલ સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલી ચકાસણી તેમને મુખ્ય પ્રધાન તરીકે આપવામાં આવેલી ગુપ્તતાના શપથનું ઉલ્લંઘન કરશે. વધુમાં, યાદવે દલીલ કરી છે કે, કેજરીવાલને તેમનું પદ જાળવી રાખવાની મંજૂરી આપવાથી તે તપાસને પ્રભાવિત કરવાની મંજૂરી આપશે જેમાં તેઓ ફસાયેલા છે અને આ ફોજદારી ન્યાયશાના સિદ્ધાંતોનો વિરોધાભાસ કરે છે. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે, તેઓ ક્વો વોરંટોની રિટ જાહેર કરે, જેનાથી કેજરીવાલને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવાના તેમના અધિકારને યોગ્ય ઠેરવવા અને આખરે તેમને પદ પરથી હટાવવાની ફરજ પડી.