વોશિગ્ટન,રશિયા અને યુક્રેન યુદ્ધના પડઘા વૈશ્ર્વિક સ્તરે પડી રહ્યા છે. આ યુદ્ધનો ફાયદો હથિયાર બનાવતી કંપનીઓનો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકા જેવો દેશ પણ યુક્રેનને હથિયારો સપ્લાય કરવાના કારણે તોપગોળા અને તેના મટિરિયલ માટે હવે બીજા દેશો તરફ નજર દોડાવી રહ્યો છે.
અમેરિકાએ તોપના ગોળાની સાથે-સાથે તોપના ગોળા બનાવવા માટે જરૂરી ટીએનટી અને નાઈટ્રોગુઆનિડાઈન નામના મહત્ત્વના મટિરિયલના સપ્લાય માટે તૂર્કી સાથે સોદો કર્યો છે. ૧૫૫ મિલીમીટરના તોપના ગોળાના ઉત્પાદનને અમેરિકા ત્રણ ગણુ કરવા માગે છે અને આ માટે ઉપરોક્ત મટિરિયલ મહત્ત્વનું છે.
અમેરિકાએ તૂર્કી તરફ હાથ લાંબો કરવો પડ્યો છે અને તેનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલો સંગ્રામ છે. આ યુદ્ધના કારણે પશ્ર્ચિમના દેશો યુક્રેનને હથિયારો અને દારુગોળો સપ્લાય કરી રહ્યા છે અને તેના કારણે આ દેશોનો પોતાનો સ્ટોક ઘટી રહ્યો છે. બીજી તરફ ડિમાન્ડ વધી રહી હોવાથી દુનિયાભરની કંપનીઓ બેકલોગનો સામનો કરી રહી છે. ખાસ કરીને તોપના ગોળા અને બીજા બોમ્બ બનાવવા માટે વપરાતા ટીએનટી મટિરિયલની અછત વરતાઈ રહી છે. બીજી તરફ તૂર્કી આ મટિરિયલ સપ્લાય કરી શકે તેમ હોવાથી અમેરિકાએ તૂર્કી સાથે સોદો કરવાનુ નક્કી કર્યું છે.
તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન તા. ૯ મેના રોજ વ્હાઈટ હાઉસની મુલાકાત લેશે અને તેમાં આ મુદ્દા પર પણ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે તેમની ચર્ચા થશે. અમેરિકા અને તૂર્કી વચ્ચેના સૈન્ય સંબંધો ઘનિષ્ઠ બની રહ્યા છે. સ્વીડનને નાટો સંગઠનમાં સામેલ કરવા માટે તૂર્કીએ લીલી ઝંડી આપ્યા બાદ અમેરિકાએ તૂર્કીને એફ-૧૬ ફાઈટર જેટ, મિસાઈલો અને બોમ્બ વેચવા માટે તૈયારી બતાવી છે. આ ડીલ ૨૩ અબજ ડોલરની હોવાનું મનાઈ રહ્યું છે.
બીજી તરફ અમેરિકાની સેનાએ ટેક્સાસની એક કંપનીને તોપના ગોળા બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે અને તેમાં તૂર્કીની કંપની પણ સામેલ છે. જૂન મહિનાથી અહીંયા પ્રોડકશન શરૂ થઈ જશે. તૂર્કીની હથિયારો બનાવતી કંપનીને આશા છે કે, ૨૦૨૫ સુધીમાં અમેરિકાની જરૂરિયાતના ૩૦ ટકા તોપગોળાનું ઉત્પાદન તે કરશે. તૂર્કીની અન્ય એક કંપની પાસેથી અમેરિકાએ આ વર્ષે ૧.૧૬ લાખ તોપના ગોળા ખરીદ્યા છે.