પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ગોધરા, હાલોલ અને કાલોલ બેઠક ઉપર ઉમેદવારો રીપીટ નહિ થાય તેવી ચર્ચા

ગોધરા વિધાનસભા બેઠક માટે નવા ચહેરાઓ દ્વારા લોબીંગ શરૂ કર્યું.

ગોધરા,
ગુજરાત રાજ્ય વિધાનસભા ચુંટણીની જાહેરાત થતાં રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીના કામે લાગ્યા છે. ભાજપ દ્વારા દાવેદારોની માંગણી ઉપર ચર્ચા શરૂ થતાં પંચમહાલ જીલ્લાની ગોધરા વિધાનસભા માટેના દાવેદારોમાં ઉત્સુકતા વધી છે. ગોધરા બેઠક માટે બીજેપી દ્વારા નવા ચહેરાને ટીકીટ આપશે તેવા વર્તાવ દેખાઈ રહ્યા છે. ત્યારે બીજેપીના દાવેદારો દ્વારા ટીકીટ મેળવવા માટે લોબીંગ શરૂ કર્યું છે.

પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં ગોધરા બેઠક માટે 29 દાવેદારો સામે આવ્યા હતા. કાલોલ બેઠક માટે સૌથી વધુ 52 ટીકીટ વાંચ્છુક દાવેદારો ઉમટી આવ્યા હતા. હાલોલ વિધાનસભા બેઠકમાં ભાજપમાં આંતરિક વિખવાદ સેન્સ માટે પહોંચેલ પ્રદેશ ભાજપના આગેવાનોની સામે આવ્યા હતા. હાલોલ બેઠક માટે ભાજપના 19 ટીકીટ વાંચ્છુક દાવેદારોએ ટીકીટની માંંગણી કરી છે. મોરવા(હ) બેઠક માટે 16 દાવેદારો સાથે શહેરા બેઠક માટે અગાઉના સમયથી વિપરીત રીતે વિધાનસભા ટીકીટ માટે 12 દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે. બીજેપી પણ પંચમહાલ જીલ્લાની પાંચ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે ચર્ચાઓ શરૂઆત થાય તે પહેલા બીજેપીની ટીકીટ મેળવીને ધારાસભ્ય બનવા માંગતા દાવેદારો પોતાની લોબીંગ શરૂ કરી છે. પંચમહાલ જીલ્લાની ગોધરા બેઠક, કાલોલ, હાલોલ બેઠક ઉપર ભાજપ નો-રીપીટ થીયેરી અપનાવીને નવા ચહેરાને ટીકીટ આપે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ગોધરા વિધાનસભા બેઠક માટે જો નો-રીપીટ થીયેરી અપનાવવામાં આવે તો ગોધરા વિધાનસભા બેઠક માટે સી.કે.રાઉલજી, મેહુલ શાંતિલાલ પટેલ, રાજેન્દ્રસિંહ વજેસિંહ ચૌહાણ, ગોપાલભાઈ ધનશ્યામભાઈ પટેલ, સમરસિંહ છગનભાઈ પટેલના નામોની ચર્ચાઓ ચાલી રહી છે. હાલ ગોધરા વિધાનસભા બેઠક માટે મેહુલ શાંતિલાલ પટેલનું નામ બીજા નંબર ઉ5ર ચર્ચામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાલોલ બેઠક માટે પર દાવેદારો પૈકી કોની ઉપર પસંદગીનો કળશ ઢોળાઈ છે. તે જોવું રહ્યું. હાલોલ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અને તેમના પુત્રના નામની ચર્ચાઓ ચાલતી હતી પરંતુ ભાજપ દ્વારા પરિવારવાદને નાબુદ કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે હાલોલ બેઠક નવા ચહેરાના મેદાનમાં ઉતારીને હાલોલ ભાજપમાં આંતરીક વિખવાદને દુર કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.