લોકસભા સામાન્ય ચુંટણી 2024: નડિયાદની મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝના 350 કર્મચારીઓ થયા મતદાન કરવા પ્રતિજ્ઞાબદ્ધ

  • કર્મચારીઓને કામકાજના સમયમાં વોટીંગ કરવા માટે અનુકુળ આયોજન કરી આપવા યુનીટ હેડ અને વાઈસ ચેરમેન ખાતરી.

નડિયાદ, આગામી લોકસભા ચુંટણી 2024ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે નડિયાદની જાણીતી મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે મીલના કર્મચારીઓને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં અંદાજીત 350 જેટલા કર્મચારીઓ દ્વારા લોકશાહીના મૂલ્યોની જાળવણી હેતુ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાનની પ્રેરણા આપવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ પ્રસંગે મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના યુનીટ હેડ અને વાઈસ ચેરમેન રમેશ પટેલ દ્વારા મીલના કર્મચારીઓ સહિત સમગ્ર જીલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે લોકસભા ચુંટણી 2024માં મતદાનના દિવસે કર્મચારીઓને કામકાજના સમયમાં વોટીંગ કરવા માટે અનુકુળ આયોજન કરી આપવા પણ ખાતરી આપવામાં આવી હતી. વધુમાં, ગુતાલ પ્રાથમિક શાળાના શિક્ષક પારસભાઈ દવે દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રાસંગિક ઉદ્વબોધન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સાજેદા સબાસરા, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર રાજેશ સુમેરા, મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટીંગ વાઈસ પ્રેસિડન્ટ ગૌરવ ગુપ્તા, મેનેજર અંકિત પટેલ, સ્વીપ કાર્યક્રમ અંતર્ગતના કર્મચારીઓ સહિત મફતલાલા મીલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.