જયપુર, રાજસ્થાનમાં એક પતિએ તેની પત્નીના અપહરણનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી, બલ્કે તે પોતાના મુક્ત વ્યક્તિ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. જેમની સામે તેના પતિએ કેસ દાખલ કર્યો છે. તેના પર હાઈકોર્ટે કહ્યું કે આ કાયદાકીય ગુનો નથી.
રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું કે જ્યારે બે પુખ્ત વયના લોકો લગ્નની બહાર સહમતિથી સંબંધ બાંધે છે તો તે કાનૂની અપરાધ નથી. જો કે, આ અનૈતિક માનવામાં આવે છે. હાઈકોર્ટે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે વ્યભિચારએ આઇપીસીની કલમ ૪૯૭ હેઠળ અપવાદ છે, જે પહેલાથી જ રદ કરવામાં આવી છે. જસ્ટિસ બિરેન્દ્ર કુમારે કહ્યું કે આઈપીસી કલમ ૪૯૪ (બિગમેમી) હેઠળનો કેસ કરવામાં આવ્યો ન હતો કારણ કે બંનેમાંથી કોઈએ જીવનસાથીના જીવનકાળ દરમિયાન બીજી વખત લગ્ન કર્યા ન હતા. જ્યાં સુધી લગ્ન સાબિત ન થાય ત્યાં સુધી લિવ-ઈન-રિલેશનશિપ કલમ ૪૯૪ હેઠળ આવતી નથી.
અરજદારે ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્નીનું કોઈ વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી તેની પત્ની એફિડેવિટ સાથે કોર્ટમાં હાજર થઈ. ત્યાં તેણે કહ્યું કે કોઈએ તેનું અપહરણ કર્યું નથી, પરંતુ તે પોતાની મરજીથી આરોપી સંજીવ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. આના પર કોર્ટે કહ્યું કે આઈપીસીની કલમ ૩૬૬ હેઠળ કોઈ ગુનો કરવામાં આવ્યો નથી અને એફઆઈઆર રદ કરવામાં આવે છે.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે દલીલ કરી હતી કે મહિલાએ સ્વીકાર્યું છે કે તેણી સંજીવ સાથે લગ્નેત્તર સંબંધ ધરાવે છે, તેથી તે આઇપીસીની કલમ ૪૯૪ અને ૪૯૭ હેઠળ ગુનો બને છે. વકીલે કોર્ટને સામાજિક નૈતિક્તાના રક્ષણ માટે અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને સિંગલ બેન્ચે કહ્યું કે, “આ સાચું છે કે આપણા સમાજમાં મુખ્ય ધારાનો મત એ છે કે શારીરિક સંબંધો ફક્ત પરિણીત યુગલ વચ્ચે જ હોવા જોઈએ, પરંતુ જ્યારે બે પુખ્ત વયના લોકો લગ્નની બહાર સહમતિથી સંબંધ ધરાવતા હોય તો તે ગુનો નથી. જો કે, તે અનૈતિક માનવામાં આવે છે.
કોર્ટે કહ્યું, એક પુખ્ત મહિલા જેની સાથે ઇચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે અને જેની સાથે તે ઇચ્છે તેની સાથે રહી શકે છે. અરજદારની પત્નીએ એક આરોપી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે પોતાનો જવાબ દાખલ કરતી વખતે કહ્યું છે કે તેણે પોતાની મરજીથી ઘર છોડ્યું છે અને તે સંજીવ સાથે સંબંધમાં છે.