મુંબઇ, ઘેર-ઘેર ફેમસ થયેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો મેકર આસિત મોદીના ખરાબ વર્તનના કારણે શો છોડવો પડ્યો હતો. તેમજ તેણીએ આસિત મોદી વિરુદ્ધ ઉત્પીડનનો કેસ પણ દાખલ કર્યો હતો. કોર્ટે આ મામલે ૪૦ દિવસ પહેલાં જેનિફર મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જોકે, જેનિફર આ કેસ જીત્યા બાદ પણ ખુશ નથી.
જેનિફરે જણાવ્યું કે, “કોર્ટનો ચુકાદો આવ્યાને ૪૦ દિવસ વીતી ચુક્યા છે, પરંતુ હજી સુધી પ્રોડક્શન હાઉસે બાકી મહેનતાણું નથી ચુકવ્યું.” એક્ટ્રેસે જણાવ્યું કે, ‘શોમાં મહિનાઓ સુધી કરેલી મહેનતના પૈસા મને હજી સુધી નથી મળ્યા. હું ન્યાયની આશા સાથે કોર્ટમાં પહોંચી હતી, પરંતુ વર્ષ વીત્યા બાદ પણ પૈસા નથી મળ્યા. હજી સુધી ન્યાયથી વંચિત છું.’
જેનિફર મિસ્ત્રીએ આસિત મોદી ઉપરાંત સોહેલ અને જતીન વિરુદ્ધ પણ કેસ કર્યો હતો. તેમાંથી એકને પણ હજી સુધી સજા નથી થઇ. એક્ટ્રેસે ચુકાદાને લઈને નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચુકાદા દરમિયાન સોહેલ અને જતીન હાજર નહોતા. હું નાખુશ છું. લોકલ કમિનીટ નિર્ણય આપી ચુકી છે કે મને મારી મહેનતના પૈસા મેળવવાનો હક છે. એ સાબિત થઇ ચૂક્યું છે કે આસિત મોદી ઉત્પીડન મામલે ગુનેગાર છે. આ કોઈ નવી વાત નથી. હું શરૂઆતથી જ બધું જાણતી હતી, પરંતુ ત્રણેય આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
જેનિફર પોતાની તકલીફો અંગે કહ્યું કે, તે એક વર્ષથી આઘાતમાં છે અને ત્રણેય આરોપી બેદરકારીથી ફરે છે. તે કહે છે કે, ‘કેસ પર નિર્ણયથી સાફ થઇ ગયું છે કે હું ન તો કોઈ ખોટી વાત કરી રહી હતી કે ન તો બનાવટી વાર્તા સંભળાવી રહી હતી. મેં જે પણ કહ્યું, તે સાચું હતું.’
જેનિફર અંતે કહે છે કે, ‘આ સસ્તી લોકપ્રિયતા મેળવવા નથી કર્યું. લોકો મને શરૂઆતમાં જજ કરી રહ્યા હતા અને આરોપી માની રહ્યા હતા. મને માત્ર એટલી સંતુષ્ટિ છે કે મારા કેસને લોકોએ સમજ્યો, પરંતુ મને યોગ્ય રીતે ન્યાય નથી મળ્યો.’
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયમાં ‘તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા’ના ઘણા કલાકારોએ આસિત મોદી વિરુદ્ધ ઘણા ખુલાસા કર્યા છે. જેનિફર મિસ્ત્રી ઉપરાંત શૈલેષ લોઢાએ આસિત મોદી પર કેસ કર્યો હતો અને તેમના પર બાકી ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસનો નિર્ણય પણ આસિત મોદી વિરુદ્ધ રહ્યો હતો.