લખનૌ, ભારતમાં આ વર્ષે ૧૮મી લોક્સભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે આ માટેની તારીખો પણ જાહેર કરી દીધી છે. લોક્સભાની ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં કુલ ૭ તબક્કામાં યોજાશે. આ ચૂંટણીમાં પોતાની તાકાત બતાવવા માટે તમામ પાર્ટીઓ મહેનત કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આ વખતે લોક્સભાની ચૂંટણી નહીં લડે. એવી અટકળો ચાલી રહી હતી કે સપા પ્રમુખ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી લોક્સભા ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે સુત્રો તરફથી સમાચાર આવી રહ્યા છે કે અખિલેશ યાદવ આ વખતે લોક્સભાની ચૂંટણી નહીં લડે. તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે પાર્ટીના તમામ ઉમેદવારો માટે સ્ટાર પ્રચારકની ભૂમિકા ભજવવાની જવાબદારી તેમના ખભા પર છે, તેથી તેઓ ચૂંટણી લડી રહ્યા નથી.જોકે, કન્નૌજ સીટ પર ૧૩ મેના રોજ મતદાન થવાનું છે, જેમાં હજુ ઘણો સમય બાકી છે. તેથી, પાર્ટીએ આ બેઠક પરથી તેના કોઈપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.
૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ આઝમગઢ સીટ પરથી ઉભા હતા. તે ચૂંટણીમાં ભાજપે અખિલેશ યાદવ સામે ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી અખિલેશ યાદવે આઝમગઢ સીટ છોડી દીધી.