
અમદાવાદ, શહેરના રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદીમાંથી મહાનગર પાલિકાના ઉત્તર પશ્ર્ચિમ ઝોનના સબ ઇન્સ્પેક્ટરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. ૨૯ વર્ષના જયદીપ પટેલ મંગળવારથી ધરેથી ગાયબ થતા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી. સાબરમતી નદીમાં કોઇની લાશ અંગેની માહિતી મળતા ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટાસ્થળે પહોંચીને જયદીપના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જયદીપે આપઘાત કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે, જયદીપે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યુ છે. જો આપઘાત કર્યો હોય તો તેને શા માટે આ અંતિમ પગલું ભર્યુ છે તે અંગેની તપાસ ચાલી રહી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ૨૯ વર્ષના જયદીપ પટેલની સાબરમતી નદીમાંથી લાશ મળી આવી છે. જયદીપ પટેલે આપઘાત કર્યાનું હાલ અનુમાન કરવામાં આવ્યુ છે. મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતીને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લાશને બહાર કાઢી હતી.
આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે ખરેખર આપઘાત કર્યો છે કે તેમની હત્યા કરવામાં આવી છે. તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
જયદીપ પટેલ ગઇકાલથી જ ગૂમ હતો. જેના કારણે તેમનો પરિવાર તેમને શોધી રહ્યો હતો. રિવરફ્રન્ટ વિસ્તારમાંથી ગઈકાલે જયદીપનું બાઇક મળી આવ્યા બાગ આખા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. જે બાદ તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં પાલડી સ્પોર્ટ સંકુલની પાછળથી મૃતદેહ પણ મળી આવ્યો હતો. મૃતક અમદાવાદના નવજીવન એપાર્ટમેન્ટ. જેઠા ભાઈ પાર્કની બાજુમાં રહેતો હોવાનું જાણવા મળ્યુ છે.