સુરત, સુરતના ક્તારગામ વિસ્તારમાં માટેલા સાંઢની જેમ દોડતા પાલિકાના ડમ્પર ચાલકે પગપાળા જતી મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે રોષે ભરાયેલા ટોળાએ ચાલકને ઝડપી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. જ્યાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ટોળાએ પોલીસ પીસીઆર વાનનો પણ ઘેરાવ કર્યો હતો. જે બાદ વધુ પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી. જ્યાં ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકોને કારણે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. જ્યાં વધુ એક ઘટના સુરતના ક્તારગામ વિસ્તારમાં બની છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, ચોક બજાર વિસ્તારમાં આવેલ કુબેરનગર સોસાયટીમાં રહેતી મનિષાબેન નિકુંજભાઈ બારોટ ક્તારગામ ખાતે આવેલી કે.પી સંઘવી ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતા હતા. આજ રોજ પોતાના નિત્યક્રમ મુજબ પોતાની માસૂમ બાળકીને શાળાએ મૂકી તેઓ ક્તારગામ સ્થિત નગીનાવાડી ખાતેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ વેળાએ અચાનક પુરપાટ ઝડપે દોડી આવેલા પાલિકાના ડમ્પર ચાલકે મનીષાબેનને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.
ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ ચાલકને ઝડપી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.જે બાદ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ટોળા અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હતી. જે બાદ પોલીસ દ્વારા ડમ્પર ચાલક ની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કરતા ટોળું વધુ રોષે ભરાયું હતું. ચાલક દારૂના નશામાં હતો અને લાયસન્સ પણ નહોતું તેવા આક્ષેપ સાથે ટોળાએ ટ્રક ચાલકને સોંપવા અંગેની માંગ કરી હતી. જે બાદ ટોળાએ પોલીસ પીસીઆર વાનનો ઘેરાવ કર્યો હતો. જેથી વધુ પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી.
ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસના મોટા કાફલાએ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં લીધા બાદ મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં ચાલકને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. ક્તારગામ પોલીસ દ્વારા પાલિકાના કોન્ટ્રાકટરનો ટ્રક પણ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક મનીષાબેન બારોટના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યાં ઘટના સ્થળે પહોંચેલા પરિવારની આંખો ભરાઈ આવી હતી. મૃતકના પરિવારે પાલિકાના કોન્ટ્રાકટર અને ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, મનીષાબેનને સંતાનમાં બે દીકરીઓ છે. દસ વર્ષ પહેલાં પતિના અવસાન બાદ પોતે બંને દીકરીઓનું ભરણ-પોષણ કરતા હતા. ડાયમંડ કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે ટ્રક ચાલકે અડફેટે લેતા તેમનું મોત થયું છે. જે ઘટનામાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે. મહત્વનું છે કે પાલિકાના ડમ્પર ચાલકની ગંભીર બેદરકારીના આક્ષેપ થયા છે. ચાલક પાસે લાયસન્સ નહોતું અને દારૂના નશામાં હોવાનો આરોપ પણ મૃતકના પરિવારે મુક્યો છે. જે બાબત પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે. ત્યારે સુરતમાં બેફામ દોડતા આવા ટ્રક ચાલકો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહીનો માંગ લોકો કરી રહ્યા છે.