હિંમતનગર, મોડાસા: મેઘરજમાં હજારો લોકોએ એકત્ર થઈને દેખાવ કર્યા હતા. ભીખાજીના સમર્થનમાં અને નવા ચહેરા શોભના બારૈયા વિરુદ્ધ બે હજારથી વધુ કાર્યકરોએ મોડાસા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચી સામુહિક રાજીનામા આપી દીધા હતા. આ ઉપરાંત ધંધા-રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજજડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.સમર્થકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો ભીખાજીનું નામ ફરીથી ઉમેદવારમાં નહીં આવે તો અમે મતદાન પણ નહીં કરીએ.તેમણે પક્ષને વર્ષો આપ્યા છે તો તેમનું જ નામ આવવું જોઈએ. નવા ચહેરાનો અમે વિરોધ કરીએ છીએ તેવા સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
મોડાસા ખાતે આવેલા કમલમ કાર્યાલય પર પહોંચેલા કાર્યકરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી હતી, જો કે કમલમ કાર્યાલયના મુખ્ય દરવાજા પણ તકેદારી માટે બંધ કરી દેવાયા હતા. સાથે સાથે કાર્યાલય પર પોલીસનો મોટો કાફલો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપસ્થિત થઈ ગયો હતો. આ સંજોગોમાં ગાંધીનગરથી તેડું આવતાં ભીખાજી ઠાકોર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા.