અમદાવાદ, ગુજરાતમાંથી ચૂંટાઈને દિલ્હી જતા સંસદસભ્યો લોક્સભામાં પ્રશ્ર્નો પૂછવામાં બેદરકાર રહે છે તેમ કેન્દ્ર સરકાર તરફથી મતવિસ્તારના વિકાસ માટે આપવામાં આવેલી ગ્રાન્ટને વાપરવામાં પણ કંજૂસાઈ કરતા હોય છે. એક રિપોર્ટ પ્રમાણે ૨૬ સાંસદોએ પાંચ વર્ષમાં માત્ર ૪૯.૭૭ ટકા જ ફંડ વાપયું છે.
એડીઆર, ગુજરાતના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯થી ૨૦૨૪ની ટર્મમાં આ વખતે એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાં ઘટાડો થયો છે. કોવિડ સંક્રમણમાં લગભગ દોઢ વર્ષના સમયકાળા માટે આ યોજના ફીઝ કરી દેવામાં આવી હતી, પરિણામે પાંચ વર્ષ માટે પ્રત્યેક સંસદસભ્ય પાસે ૨૫ કરોડના બદલે માત્ર ૧૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની યોજના ૨૩મી ડિસેમ્બર ૧૯૯૩માં અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં સાંસદોને આપવાની થતી ગ્રાન્ટની રકમમાં ધીમે ધીમે વધારે કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ રાજ્યના પ્રત્યેક સંસદસભ્ય તેમના મતવિસ્તારમાં વિશેષ પ્રકારના કામોની ભલામણ કરી શકે છે. સાંસદોની ભલામણ પછી જિલ્લા આયોજન મંડળ દ્વારા તે કામો માટે ભંડોળ ફાળવવામાં આવે છે.
ગુજરાતના ૨૬ સંસદસભ્યો હસ્તક ૧૭ કરોડ લેખે કુલ રૂપિયા ૪૪૨ કરોડ હતા, આ ફંડ દ્વારા તેઓ તેમના મત વિસ્તારમાં વિકાસના કામો માટે વાપરી શક્તા હતા પરંતુ ૨૬ સાંસદોએ માત્ર ૩૫૪.૯૯ કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી જે પૈકી ૨૬૩.૧૫ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામો માટે કુલ ૨૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે મળવાપાત્ર ફંડના માત્ર ૪૯.૭૭ ટકા થાય છે. સાંસદોએ જે કામોની ભલામણ કરી હતી તેમાં રેલવે-માર્ગ-બ્રિજ અને પથવે માટેની ૫૧૧૧ યોજનાઓમાં ૧૧૪.૮૧ કરોડ પીવાના પાણીની ૧૯૯૨ યોજનાઓ માટે ૧૭.૨૫ કરોડ, શિક્ષણની ૧૦૪૬ યોજનાઓ માટે ૨૯૫ કરોડ આરોગ્યની ૬૭૫ યોજનાઓ માટે ૧૩.૧૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત સિંચાઈ, એનર્જી, પબ્લિક ફેસેલિટી, સેનિટેશન સ્પોર્ટ્સ કૃષિ, પશુપાલન, હેન્ડલૂમ અને અર્બન ડેવલપમેન્ટ પાછળ વધતી- ઓછી રકમ ફાળવવામાં આવી છે.