લીકર કૌભાંડમાં આપ નેતા દીપક સિંગ્લાના ઘરે ઈડીના દરોડા

નવીદિલ્હી, લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આપ નેતા દીપક સિંગ્લાના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દીપક સિંગ્લા બીજા આપ નેતા છે જેમના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઈડી દ્વારા દરોડા પાડવામાં આવેલા સ્થળોમાં આમ આદમી પાર્ટીના નેતા દીપક સિંગલાના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ સ્થળો પર તપાસ એજન્સીના દરોડા ચાલુ છે. આ પહેલા ઈડીએ ૨૩ માર્ચે મટિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

ઈડીએ મંગળવારે મેક્રોનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ વિજય કુમાર શુક્લા, સંજય ગોસ્વામી અને તેમની અન્ય કંપનીઓ પર ફેમા કેસના સંબંધમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂ. ૨.૫૪ કરોડ રિકવર કરવામાં આવ્યા હતા.દીપક સિંગલા આપના ભૂતપૂર્વ ઉમેદવાર છે. તેઓ આમ આદમી પાર્ટી તરફથી વિશ્ર્વાસ નગરથી ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત, તેઓ ગોવાના આપ પ્રભારી અને એમસીડીના સહ-પ્રભારી પણ છે. આ પહેલા ઈડીએ ૨૩ માર્ચે મટિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા. દીપક સિંગલાના ગોવા સાથે કનેક્શન હોવાના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ દરોડો કથિત દારૂના કૌભાંડના સંબંધમાં હોઈ શકે છે. આ બાબતને યાનમાં રાખી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતાના ઘરે દરોડા પાડ્યા છે.

ઈડીએ પીએમએલએ કોર્ટમાં દાવો કર્યો હતો કે હવાલા દ્વારા ૪૫ કરોડ રૂપિયા ગોવા મોકલવા માં આવ્યા હતા. વાસ્તવમાં, ઈડીએ દાવો કર્યો છે કે દારૂ કૌભાંડમાં રિકવર કરાયેલા નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કરવામાં આવ્યો હતો. ૨૨ માર્ચે, ઈડીએ દાવો કર્યો હતો કે મની ટ્રેઇલ મળી આવી છે જેમાં દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આપે પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કર્યો હતો. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે આ કૌભાંડમાં માત્ર રૂ. ૧૦૦ કરોડની લાંચ જ નહીં પરંતુ લાંચ આપનારાઓ દ્વારા કમાયેલા નફા પર કમિશન પણ લેવામાં આવ્યું હતું, જે રૂ. ૬૦૦ કરોડથી વધુ છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે દક્ષિણ જૂથમાંથી મળેલા ૪૫ કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીએ ૨૦૨૧-૨૨ના ગોવા ચૂંટણી પ્રચારમાં વાપર્યા હતા. આ સાથે એજન્સીએ હવાલા તરફ ઈશારો કરીને કહ્યું કે આ પૈસા ૪ માર્ગોથી ગોવા પહોંચ્યા છે.