ચૂંટણી પર્વ, દેશનું ગર્વ લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની cVIGIL એપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણમાં નાગરિકો પણ યોગદાન આપી શકશે

  • ફોટો, વીડિયો અને ઓડિયોના માધ્યમથી સંપૂર્ણ ગોપનિયતા સાથે આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી શકાશે.

નડિયાદ, ચૂંટણી પંચ દ્વારા તા. 16 માર્ચ 2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતા જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ખેડા જીલ્લામાં પણ આચાર સંહિતનો ચુસ્તપણે અમલ થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આદર્શ આચાર સંહિતાના અમલીકરણમાં ખેડા જીલ્લાના નાગરિકો પણ cVIGIL એપ દ્વારા પોતાનો ફાળો આપે તેવી જીલ્લા ચૂંટણી શાખાની અપીલ છે.

cVIGIL એપ વિશે cVIGIL એ નાગરિકો માટે ચૂંટણીના સમયગાળા દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરવા માટેની એક ઓનલાઈન એપ્લિકેશન છે. દેશમાં ચૂંટણીનો પર્વ મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં ઉજવાય તે માટે એક Vigilant Citizen એટલે કે એક જાગૃત નાગરિકની ભૂમિકા ભજવવા માટે cVIGIL એપ મદદરૂપ બને છે.

કેમેરા, સારૂં ઈન્ટરનેટ કનેક્શન અને GPS એક્સેસની સુવિધાથી સજ્જ સ્માર્ટફોન ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ એપ ડાઉનલોડ કરી શકે છે. આ એપ દ્વારા નાગરિકો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયા અંગેની ફરિયાદ ચૂંટણી અધિકારીની કચેરી પર ગયા વગર તાત્કાલિક જે-તે સ્થળેથી કરી શકે છે.

cVIGIL એપ પર ફરિયાદ કેવી રીતે નોંધવી…..

cVIGIL એપ ઓપન કરી, આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન જ્યાં થયું છે. તેનો ફોટો અથવા વીડિયો અથવા ઓડિયો પોતાના ફોનમાં કેપ્ચર કરી તેનું સંક્ષિપ્તામાં વર્ણન કરી અપલોડ કરી શકાશે. ફરિયાદ નોંધાવવા માટે નાગરિકે તેમનું જીપીએસ શેર કરવાનું થશે. સમગ્ર ફરિયાદલક્ષી માહિતી સંપૂર્ણ પણે ગોપનીય રહે છે. ફરિયાદ કરનાર નાગિરીકનું નામ કે નંબર જેવી અંગત માહિતી એપ દ્વારા શેર કરવામાં આવતી નથી.

cVIGIL એપ પર ફરિયાદ નોંધાવ્યા બાદની પ્રક્રિયા…

જ્યારે કોઈ નાગરિક cVIGIL એ પ પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ દાખલ કરે છે, ત્યારે તે ફરિયાદ તપાસ માટે સંબંધિત ફિલ્ડ યુનિટને મોકલવામાં આવે છે. આ ફરિયાદનો એક યુનિક આઈ.ડી. એટલે કે cVIGIL ID જનરેટ થાય છે. cVIGIL એપ પર Status સેક્શનમાં આ cVIGIL ID દ્વારા નાગરિક પોતાની ફરિયાદનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકે છે.

cVIGIL એપ્લિકેશન આ ફરિયાદને જીલ્લા કંટ્રોલ રૂમ, રિટર્નિંગ ઓફિસર અને ફિલ્ડ વેરિફિકેશન યુનિટ (ફ્લાઈંગ સ્કવોડ્સ) / સ્ટેટિક સર્વેલન્સ ટીમોને નોટિફાય કરે છે. જેમના દ્વારા ફરિયાદનો ઝડપી અને સચોટ નિકાલ કરવામાં આવે છે. આમ, cVIGIL એપ દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે જરૂરી રિપોર્ટિંગ, એક્શન અને મોનિટરિંગની પ્રક્રિયા ઝડપી, પારદર્શી અને સચોટ રીતે થઈ શકે છે.