ઇસ્લામાબાદ,પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બતમાં આતંકવાદીઓએ નેવલ એર સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, સુરક્ષા દળોએ નૌકાદળની સુવિધામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓએ સોમવારે રાત્રે પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. તે જ સમયે, હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુક્સાન થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જયારે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના તુર્બત જિલ્લામાં નૌકાદળની સુવિધામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તરત જ તેમની ઓળખ કરી લેવામાં આવી હતી અને માર્યા ગયા હતા. જો કે આ ઘટના અંગે પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પીએનએસ સિદ્દીક પર હુમલો કર્યો હતો. બંને સુવિધાઓ નજીક ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. ધ બલૂચિસ્તાન પોસ્ટને ટાંકીને જણાવાયું છે કે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પીએનએસ સિદ્દીક પર આતંકી હુમલો થયો છે. આ વિસ્તારમાં અનેક વિસ્ફોટના પણ અહેવાલ છે. આતંકવાદી હુમલા બાદ આરોગ્ય અધિકારીઓએ તુર્બતની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે અને તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી ના માજીદ બ્રિગેડે તુર્બતમાં નેવલ એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે, મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. સંગઠનનો આરોપ છે કે ચીન અને પાકિસ્તાન ક્ષેત્રના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, બીએલએએ દાવો કર્યો છે કે તેના ઘણા લડવૈયા એરબેઝમાં ઘૂસી ગયા છે. આ એરબેઝ પર ચીની ડ્રોન પણ તૈનાત છે.
આ પહેલા ૨૦ માર્ચે બીએલએના મજીદ બ્રિગેડે બલૂચિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં બે પાકિસ્તાની સૈનિકો અને ૮ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આઠ આતંકવાદીઓએ પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.
ચીનની ભાગીદારીમાં બનેલ ગ્વાદર પોર્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે મહત્વપૂર્ણ છે. જેમાં અબજો ડોલરના રોડ અને એનર્જી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો પણ એક ભાગ છે.