મુંબઇ, નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની વચ્ચેનો અણબનાવ કોઈનાથી છુપાયેલો નથી. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર ખુલીને વાત કરી અને એકબીજા પર ગંભીર આરોપો પણ લગાવ્યા. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો. એક તરફ આલિયાએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ તે પોતાના બાળકો સાથે અલગ રહેવા લાગી હતી. આ બધા વિવાદ વચ્ચે આલિયા પણ ’બિગ બોસ ઓટીટી-૨ ની સ્પર્ધક બની હતી. હવે આલિયાએ એક પોસ્ટ શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ પોસ્ટ જોઈને લાગે છે કે આલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે ફરી એકવાર પેચ અપ થઈ ગયો છે.
આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી પર મારપીટથી લઈને ઘરમાં કેદ કરીને ભોજન ન આપવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે ઘણા વીડિયો બનાવીને અભિનેતાની પ્રતિષ્ઠા પણ બગાડી હતી. માર્ચ ૨૦૨૩માં બંને સત્તાવાર રીતે અલગ પણ થઈ ગયા હતા. બધા ડ્રામા પછી, હવે આલિયાએ એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું છે કે તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેની ૧૪મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આલિયાએ ગઈકાલે એટલે કે સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં બે તસવીરો છે જેમાં આલિયા અને નવાઝ પોતાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર નવા વર્ષની ઉજવણીની છે. આને પોસ્ટ કરતા આલિયાએ કેપ્શનમાં લખ્યું કે, ’હું મારા એકમાત્ર પાર્ટનર સાથે સુખી લગ્ન જીવનના ૧૪ વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહી છું. હેપ્પી એનિવ.’
’બિગ બોસ ઓટીટી ૨’માં આલિયાની સફર લાંબી નહોતી. શોમાંથી બહાર આવ્યા બાદ તેણે નવું જીવન શરૂ કર્યું. આ દરમિયાન તેણે તેના નવા પાર્ટનર એટલે કે બોયફ્રેન્ડ સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. તેણીએ કહ્યું હતું કે તે જીવનમાં આગળ વધી રહી છે. હાલમાં આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. તાજેતરમાં તેણે નવાઝના વખાણ પણ કર્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે તેની ગેરહાજરીમાં નવાઝ તેના બે બાળકોનું ખાસ યાન રાખે છે.
હવે આલિયા સિદ્દીકીની એનિવર્સરી પોસ્ટ જોઈને લોકો દંગ રહી ગયા છે અને રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ’તેઓ છૂટાછેડા લઈ રહ્યા હતા, ખરું ને?’ બીજાએ લખ્યું, ’જો તમે તમારા પતિને પ્રેમ કરો છો તો તમે તેને હંમેશા પરેશાન કેમ કરો છો?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ’એવું લાગે છે કે હવે તેમની વચ્ચે બધું બરાબર છે.’ એક વ્યક્તિએ લખ્યું, ’ગોલમાલ એ બધો ગોલમાલ છે.’ એક વ્યક્તિ એકદમ આશ્ર્ચર્યચક્તિ થઈ ગઈ અને પૂછ્યું, ’શું ચાલે છે, ક્યારેક બ્રેકઅપ તો ક્યારેક પેચઅપ.’